અમદાવાદના PGમાં રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : PGમાં રહેતી કચ્છની યુવતી પર સિક્યુરિટી ગાર્ડે ગુજાર્યો બળાત્કાર

By: Nation Gujarat Team
09 Aug, 2026

Ahmedabad News: અમદાવાદ શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે મેટ્રો સિટીમાં એકલી રહીને અભ્યાસ કે નોકરી કરતી યુવતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આનંદનગરના એક ફ્લેટમાં PG (પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતી યુવતી પર ફ્લેટના જ પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી છે અને અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં PG તરીકે રહે છે. ઘટનાના દિવસે ફ્લેટના ધાબા પર પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી ગાર્ડે અંદાજે એક કલાક સુધી ધાબા પર યુવતી સાથે બળાત્કાર ગુજારીને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.

પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડ ધર્મવીર ઘટના બાદ ફરાર
દુષ્કર્મની આ ઘટનાને અંજામ આપ્યા બાદ ધર્મવીર નામનો પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પીડિત યુવતીએ હિંમત ભેગી કરીને આ અંગે આપવીતી જણાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ મથકની ટીમ હરકતમાં આવી ગઈ હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા સિક્યુરિટી ગાર્ડ ધર્મવીરને ઝડપી પાડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. પરંતુ ઘટના બન્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

PGમાં રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
અમદાવાદ જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં બનેલી આ ઘટના PGમાં રહેતી યુવતીઓ અને તેમના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. જે સિક્યુરિટી ગાર્ડના ભરોસે રહીશજનો અને યુવતીઓ સુરક્ષિત અનુભવે છે, તે જ રક્ષક ભક્ષક બનતાં ફ્લેટોમાં સિક્યુરિટી ગાર્ડના પોલીસ વેરિફિકેશન અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે.


Related Posts

Load more