Kroll Brand Valuation 2025: ભારતનો સૌથી મોંઘો સેલિબ્રિટી કોણ? જાણો Top 3માં કોણ-કોણ છે!

By: Nation Gujarat Team
05 Aug, 2026

ભારતના સૌથી મોંઘા સેલિબ્રિટી બ્રાન્ડ્સની નવી યાદી જાહેર થઈ છે, જેમાં ફરી એકવાર બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને નંબર-1 સ્થાન હાંસલ કર્યું છે. Kroll Brand Valuation 2025 રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને બ્રાન્ડ વેલ્યુના મામલે તમામ સેલિબ્રિટીઓને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે અભિનેતા રણવીર સિંહે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીને પાછળ રાખીને બીજું સ્થાન મેળવ્યું છે.

રિપોર્ટ મુજબ, ભારતના ટોચના 25 સેલિબ્રિટીની કુલ બ્રાન્ડ વેલ્યુ અંદાજે 2 બિલિયન અમેરિકન ડોલર છે. આ યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલિબ્રિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન તેમની જાહેરાતો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, લોકપ્રિયતા અને સોશિયલ મીડિયા પરની અસરના આધારે કરવામાં આવ્યું છે.

2024માં ત્રીજા સ્થાને રહેલા શાહરૂખ ખાન આ વર્ષે સીધા પ્રથમ સ્થાને પહોંચ્યા છે. જવાન, પઠાણ અને ડંકી જેવી ફિલ્મોની સફળતા બાદ તેમની બ્રાન્ડ ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની સંખ્યા પણ 28થી વધીને 36 થઈ ગઈ છે.

આ દરમિયાન રણવીર સિંહે 162.9 મિલિયન અમેરિકન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે વિરાટ કોહલી 158.4 મિલિયન અમેરિકન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને સરક્યા છે. ફિલ્મોની સફળતા અને નવા બ્રાન્ડ કરારોના કારણે રણવીર સિંહે આ વર્ષે વિરાટને પાછળ છોડી દીધા છે.

રિપોર્ટમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે ભારતમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટનું બજાર ઝડપથી ડિજિટલ-ફર્સ્ટ મોડેલ તરફ આગળ વધી રહ્યું છે. 2025 સુધીમાં ડિજિટલ પ્લેટફોર્મ્સનો હિસ્સો 60થી 75 ટકા સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ નવી રેન્કિંગ ફરી એકવાર દર્શાવે છે કે શાહરૂખ ખાન માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ બ્રાન્ડ વેલ્યુ અને માર્કેટ પ્રભાવના મામલે પણ દેશના સૌથી મોટા સુપરસ્ટાર તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યા છે.


Related Posts

Load more