Surat News: સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટના સામે આવી છે. સુરત-ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં જ ભાજપના નેતાઓ વચ્ચે ભારે હોબાળો થતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યની હાજરીમાં જ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સોસાયટીના પ્રશ્નોની બેઠક બાદ શરૂ થયો વિવાદ
મળતી વિગતો અનુસાર, કાર્યાલય ખાતે ભાતની વાડી સોસાયટીના વિવિધ સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વોર્ડ નંબર 5ના ચારેય કોર્પોરેટરો તેમજ સોસાયટીના અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સોસાયટીના આગેવાનો સાથેની ચર્ચા પૂર્ણ થયા બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે, આગેવાનોના ગયા પછી કોર્પોરેટરો વચ્ચે આંતરિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી.
સંકલન અને આમંત્રણ મુદ્દે તુ-તુ મૈં-મૈં
ચર્ચા દરમિયાન મનહર વોરાએ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર દેસાઈ અન્ય કોર્પોરેટરો સાથે યોગ્ય સંકલન જાળવતા નથી. આ ઉપરાંત, વિવિધ કાર્યક્રમોમાં કોર્પોરેટરોને યોગ્ય રીતે આમંત્રણ ન આપવામાં આવતું હોવાના મુદ્દે બંને વચ્ચે વાતાવરણ તંગ બની ગયું હતું અને વાત ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગઈ હતી.
રાસભ્ય કાંતિ બલર અને અન્ય કોર્પોરેટરોએ તાત્કાલિક વચ્ચે પડીને બંનેને અલગ પાડ્યા
ઉગ્ર બોલાચાલી જોતજોતામાં વધી ગઈ હતી અને મામલો ઝપાઝપી તથા છૂટાહાથની મારામારી સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે હાજર ધારાસભ્ય કાંતિ બલર અને અન્ય કોર્પોરેટરોએ તાત્કાલિક વચ્ચે પડીને બંનેને અલગ પાડ્યા હતા અને સ્થિતિ થાળે પાડી હતી. ચર્ચા એવી પણ છે કે આ ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિને આંગળીમાં ફ્રેક્ચર પણ થયું છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાહેરાત કરવામાં આવી નથી.
સુરત ભાજપના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા
ધારાસભ્યના જ કાર્યાલયમાં બનેલી આ ઘટનાને પગલે સુરત ભાજપના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના આંતરિક મતભેદો અને જૂથબંધી હવે જાહેરમાં આવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.