રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ડૉક્ટરોની ઘોર બેદરકારીના કારણે મહિલા દર્દીનું મોત નિપજ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ડિમ્પલબેન પોબારુ નામના દર્દી ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે બાલાજી હોસ્પિટલમાં ભાઈ-બહેન સાથે દાખલ થયા હતા, જ્યાં ડૉ. કવિતાબેન લાડાણીએ તેમનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન સમયે અનુભવી સર્જનને સાથે રાખવાના પરિવાર પાસેથી અલગથી પૈસા પણ લેવામાં આવ્યા હતા. આમ છતાં, પરિવારનો ચોંકાવનારો દાવો છે કે સર્જનને રૂબરૂ બોલાવવાને બદલે ટેલિફોનિક માહિતીના આધારે જ આટલું ગંભીર ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું.
ઓપરેશન પૂર્ણ થયા બાદ દર્દી ડિમ્પલબેનની તબિયતમાં અચાનક બગડી અને તેમની પલ્સ ચિંતાજનક રીતે વધી ગયા હતા. તે સમયે મુખ્ય ડૉક્ટર હાજર રહીને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાને બદલે માત્ર નર્સે જ સારવાર ચાલુ રાખી હતી, જેના કારણે દર્દીની સ્થિતિ વધુ લથડી હતી. કેસ અત્યંત ક્રિટિકલ બની જતાં તાત્કાલિક અન્ય ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 12 કલાકની સઘન સારવાર બાદ પણ ડિમ્પલબેનનું દુઃખદ અવસાન થયું હતું. નોંધનીય છે કે, પોતાની ભૂલ છુપાવવા બાલાજી હોસ્પિટલે જ ઓલમ્પસ હોસ્પિટલનું તમામ બિલ ચૂકવ્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે.
હોસ્પિટલ અને જવાબદાર ડૉક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દીનું મોત થયાનો આક્ષેપ કરીને મૃતકના પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ન્યાય મેળવવા માટે પરિવારજનોએ રાજકોટના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. પીડિત પરિવારે માગણી કરી છે કે નિર્દોષ દર્દીનો જીવ લેનાર જવાબદાર ડૉક્ટરો સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરવામાં આવે. ખાનગી હોસ્પિટલની આ ગંભીર બેદરકારીને પગલે સમગ્ર રાજકોટ શહેરના તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.