કોર્ટના એક ચુકાદાની અફવા અને 60 હજાર લોકો ઘૂસી ગયા; અન્ન માટે વલખાં મારતું આ શહેર, 57ના મોત!

By: Nation Gujarat Team
01 Aug, 2026

Spain Ceuta Crisis : સ્પેનના ઉત્તર આફ્રિકન એન્ક્લેવ સેઉટા (Ceuta)માં તાજેતરમાં એક અભૂતપૂર્વ માનવીય અને સીમા સંકટ ઊભું થયું છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની ખોટી વ્યાખ્યા અને અફવાને કારણે મોરક્કોથી લગભગ 60,000 જેટલા સ્થળાંતરિતો  સ્પેનના આ નાના શહેરમાં ઘૂસી આવ્યા હતા. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે, શહેરમાં રાશન અને ખાવા-પીવાની ભારે અછત સર્જાઈ છે. બીજી તરફ, દોડધામ અને સમુદ્ર પાર કરવાની કોશિશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 57 લોકોના કરૂણ મોત થયા છે.

સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાથી બબાલ શરૂ થઈ?

આ સમગ્ર વિવાદ પાછળ સ્પેનની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયની ખોટી વ્યાખ્યા અને અફવા જવાબદાર છે. 8 જુલાઈના રોજ સ્પેનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, સમુદ્રના રસ્તે આવતા પ્રવાસીઓને તરત જ પાછા મોકલી શકાય નહીં. માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કરતી ગેંગે આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી દીધી. પ્રવાસીઓને લાગ્યું કે, જો તેઓ સમુદ્રના રસ્તે સ્પેન પહોંચી જશે, તો તેમને ત્યાંથી કાઢવામાં આવશે નહીં, અને રહેવાની મંજૂરી મળી જશે. આ અફવા ફેલાતા જ માત્ર 24 કલાકમાં મોરક્કોથી 60,000થી વધુ લોકો તરીને કે પગપાળા સેઉટાની સીમામાં ઘૂસી ગયા. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના જણાવ્યા મુજબ, આ સમગ્ર સંકટ માનવ તસ્કરો દ્વારા ફેલાવવામાં આવેલી અફવાનું પરિણામ છે.

ક્ષમતા કરતાં 2400% વધુ બોજ અને ખાવાની અછત

સેઉટાની સામાન્ય વસ્તી કરતાં પણ વધુ લોકો અચાનક ત્યાં પહોંચી જતાં, રિસેપ્શન સેન્ટરો તેમની ક્ષમતા કરતાં 2400% વધુ ભરાઈ ગયા. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, દુકાનોમાંથી બધો જ સામાન ખાલી થઈ ગયો છે, અને બ્રેડ જેવી મૂળભૂત વસ્તુઓ પણ મળતી નથી. હજારો લોકો પાર્ક અને ફૂટપાથ પર સૂવા માટે મજબૂર છે.

દોડધામમાં 57 લોકોના મોત

સમુદ્રી ફેન્સિંગ પાર કરવાના પ્રયાસમાં અને દોડધામમાં ભારે જાનહાનિ થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 57 મૃતદેહો મળ્યા છે.

કેમ પાછા ફરી રહ્યા છે પ્રવાસીઓ?

સ્થિતિ એટલી ભયાનક બની છે કે, જે લોકો રોજીરોટીની શોધમાં આવ્યા હતા, તે હવે પોતાની મરજીથી મોરક્કો પાછા ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં 48,300 થી વધુ પ્રવાસીઓ પાછા ફરી ચૂક્યા છે. ત્યાં ખાવાનું કે રહેવાનું કશું જ ઉપલબ્ધ નથી. સ્થિતિ કાબૂમાં લેવા માટે સ્પેનિશ સેના તૈનાત કરી દેવામાં આવી છે.


Related Posts

Load more