ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળબંબાકાર

By: Nation Gujarat Team
01 Aug, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતીના ખેતરોમાં પાણી ભરાયા છે.

સુરતના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.06 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘઈમાં 10.94 ઇંચ, સુરતના માંગરોળમાં 10.71 ઇંચ અને ડાંગના સુબીરમાં 10.24 ઇંચ વરસાદ વરસ્યો છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. ખેડાના વસોમાં 16.38 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નડિયાદમાં 13.43 ઇંચ, આણંદ શહેરમાં 10.67 ઇંચ અને ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના મહુધામાં પણ 9.72 ઇંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

તંત્ર એલર્ટ, નદીઓમાં પાણીની આવકમાં વધારો

ભારે વરસાદના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતની અનેક નદીઓમાં પાણીની આવક વધી છે. અનેક વિસ્તારોમાં જળભરાવ અને પાણી ભરાતા તંત્ર એલર્ટ મોડમાં છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.


Related Posts

Load more