Ahmedabad Accident: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે આજે (27મી જુલાઈ) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલું મોપેડ સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં 17 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો અન્ય એક 14 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મોપેડ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, 17 વર્ષીય કાવ્ય નિશીથ મહેતા અને તેની બહેન જૈના નિશીથ મહેતા (ઉં. 14) મોપેડ લઈને જતા હતા. આ દરમિયાન રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન નજીક પહોંચતાં જ તેણે મોપેડ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને મોપેડ સીધું રોડ પર આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં કાવ્ય મહેતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે જૈના મહેતાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાઈ હતી.
અન્ય કિશોરની હાલત ગંભીર, CCTV ફૂટેજ સામે આવ્યા
આ અકસ્માત સમયે કાવ્ય મહેતાની પાછળ બેઠેલી જૈનાને ભારે ઈજા પહોંચી હતી. જૈનાને સારવાર અર્થે તાત્કાલિક SVP હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાહનની સ્પીડ વધુ હોવાના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.