Surat hevayRains: સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સુરતમાં બીજી વખત પૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે શહેર અને આસપાસની મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સણીયાહેમાદ જેવા વિસ્તારોમાં તો કમરસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર અને લોકપ્રતિનિધિઓ તરત જ એક્શન મોડમાં આવી ગયા છે.
ગ્રાઉન્ડ ઝીરો પર મંત્રી પ્રફુલ પાનશેરીયાનું માર્ગદર્શન
આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાના પ્રત્યક્ષ માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રી વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તંત્રને જરૂરી તમામ મદદ અને દિશાનિર્દેશો પૂરા પાડી રહ્યા છે. મંત્રીની સૂચનાથી ગ્રાઉન્ડ ઝીરો પર સ્થાનિક પદાધિકારીઓ અને પ્રશાસનની ટીમે આખી રાત ખડેપગે રહીને બચાવ કામગીરી પાર પાડી હતી.
રાતભર ચાલેલી રાહત-બચાવ કામગીરીના મુખ્ય અહેવાલ
પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે અહીંથી કુલ 31 અસરગ્રસ્તોનું સફળતાપૂર્વક સ્થળાંતર કરાયું હતું. જેમાંથી 18 લોકોને સ્થાનિક શાળામાં અને 13 લોકોને તેમના સગા-સંબંધીઓને ત્યાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો. રાજીવનગર અને રામકિશન કોલોની વિસ્તારોમાંથી અંદાજે 100 થી 110 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્તો માટે તંત્ર અને સંગઠન દ્વારા આશ્રય, ગરમ ભોજન, શુદ્ધ પીવાનું પાણી, સવારનો નાસ્તો અને જરૂરી દવાઓ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રશાસન અને સંગઠન ટીમનું સંયુક્ત ઓપરેશન
મંત્રીના સૂચન અનુસાર તાલુકા પંચાયત પ્રમુખ કૌશલભાઈ, સુચેતનભાઈ, મહેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પરેશભાઈ, વેલંજાના કોર્પોરેટર મનીષાબેન ખેર, પ્રફુલભાઈ, જયસુખભાઈ અજોડિયા, તા.પં. સભ્ય કિશોરભાઈ દુધાત સહિત જિલ્લા-તાલુકા પંચાયતની સમગ્ર ટીમ અને સંગઠનના કાર્યકર્તાઓએ રાત-દિવસ જોયા વગર નાગરિકોની સુરક્ષા માટે કામ કર્યું હતું.
આરોગ્ય મંત્રીની નાગરિકોને ખાસ અપીલ
સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક હોવાનું જણાવતાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નાગરિકોને શાંતિ અને ધૈર્ય જાળવવા અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. કોઈપણ આપાતકાલીન સ્થિતિ કે મદદ માટે તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અથવા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.