Ahmedabad Rain: દક્ષિણ ગુજરાતમાં પવન અને ગરજ-વીજ સાથે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદના પશ્ચિમ અને રિંગ રોડ વિસ્તારોમાં ધોધમાર
અમદાવાદના એસ. જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી માહોલ અને પાણી ભરાવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રોડ પર વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો હવામાન વિભાગના રેડ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.