યુવા ઉદ્યોગ સાહસિકો ને સ્ટાર્ટઅપનો લાભ પહોંચાડવામાં ગુજરાત સરકાર નિષ્ફળ – કોંગ્રેસ પ્રવકતા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયા

By: Nation Gujarat Team
18 Jul, 2026
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ સરકારી નીતિને ઉઘાડી પાડતા ગુજરાત સરકાર ને સવાલ કર્યા છે કે ગુજરાત ના ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટ અપ્સ સાથે અન્યાય કેમ?  ગુજરાત રાજ્યમાં ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત ૧૯૦૦૦ થી વધુ સ્ટાર્ટ અપ્સ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં મીડિયમ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ (MSME) માટે પબ્લિક પ્રોક્યોરમેંટ માટે ઓર્ડર થયા છે જેમાં સરકારી ખરીદ કે જાહેર ખરીદ માટે સ્ટાર્ટ અપ્સ ને પ્રોત્સાહન આપવા માટે અનેક સૂચન અને આદેશ થયા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેંટ પોલિસી બહાર પાડવા આવી હતી. તે પોલિસી હેઠળ DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ અપ્સ અને માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSE) એકમોને ને સરકારી ખરીદમાં પ્રાધાન્ય અને ચોક્કસ સંજોગોમાં અનુભવ અને ટર્ન ઓવર જેવી શરતોમાં છૂટછાટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ્સ ની વાસ્તવિક સ્થિતિ અલગ છે, સરકાર દ્વારા પોતાની  ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેન્ટ પોલિસી ને સંપૂર્ણપણે લાગુ કરવામાં નથી આવી. વિવિધ વિભાગોમાં ગુજરાત સ્ટેટ પ્રોક્યોરમેંટ પોલિસીને લાગુ કરવાને લઈને વિસંગતતા જોવા મળે છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો, ઑથોરિટીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતા અનેક ટેન્ડરોમાં સરકારની પોલિસીનું પાલન થતું નથી. જેથી સરકાર પોતાના મળતિયાઓને ટેન્ડરના માધ્યમથી લાભ આપવાનો હેતુ હોય તેવુ દેખાય છે. દર વર્ષે ગુજરાત સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો અને સરકારી સંસ્થાઓ દ્વારા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા થી વધુ ના પ્રોડક્ટ્સ અને સેવાની ખરીદી કરવામાં આવે છે જ્યારે તેમાં સ્ટાર્ટ અપ્સને માત્ર ૧૦૦૦ કરોડ રૂપિયા સુધીના ટેન્ડર મળવા પાત્ર થાય છે કુલ ખરીદના ૧%ની આસપાસ છે. ઘણા ટેન્ડરોમાં અતિશય અનુભવ, ખૂબ ઊંચો વાર્ષિક ટર્ન ઓવર, અગાઉના સરકારી પુરવઠાના કડક માપદંડો અને પ્રતિબંધાત્મક શરતો રાખવામાં આવે છે જેથી ગુણવત્તાસભર અને નવીન સ્ટાર્ટ અપ્સને સરકારી ટેન્ડરો માં ભાગ લેવાની સમાન તક નથી મળતી અને DPIIT માન્ય સ્ટાર્ટ અપ્સ સ્પર્ધામાં થી બહાર થઈ જાય છે. ગુજરાત સરકાર દ્વારા તમામ વિભાગો માટે જાહેર ખરીદની નીતિ અને સ્ટાર્ટઅપ ઉપર સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવો જોઈએ. ટેન્ડરોને જાહેર કરતા પેહલા તેની શરતોની સમીક્ષા કરી સ્ટાર્ટ અપ્સને મળતા લાભો આપવા જોઈએ. ઇનોવેશન, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી મોટી જાહેરાતો બાદ યુવાન ઉદ્યોગ સાહસિકને લાભ પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.

Related Posts

Load more