અમદાવાદના અમરાઈવાડીથી પાસ્તામાંથી પ્રતિબંધિત ડાઈનો કલર મળ્યો, 75 હજાર પેકેટ જપ્ત

By: Nation Gujarat Team
18 Jul, 2026

Ahmedabad Food Safety: અમદાવાદના અમરાઈવાડીમાં ‘બચ્ચો કા પાસ્તા’ નામના પેકેટમાં વેચાતા પાસ્તામાંથી પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ મળી આવતા અમન સેલ્સ એજન્સીને સીલ કરાઈ હતી. આ દરમિયાન ત્યાં વેચાઈ રહેલા વિવિધ પ્રકારના નાસ્તાના પેકેટમાંથી સાત નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે રૂપિયા પોણા ચાર લાખના 75 હજાર શંકાસ્પદ પેકેટનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું.

બાળકોને બહારના પડીકા આપતાં પહેલાં સાચવજો

અમદાવાદ મ્યુનિસિપલના ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ બાપુનગરની છૂટક દુકાનમાંથી ‘બચ્ચો કા પાસ્તા’ નામના પેકેટમાં વેચાતા પાસ્તાના નમૂના લેવાયા હતા. જેની લેબોરેટરીમાં તપાસ કરાતા પાસ્તામાં પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ હોવાનું બહાર આવ્યું હતું. જે પગલે આજે ફૂડ વિભાગ દ્વારા અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે આવેલી અમન સેલ્સ એજન્સીમાં તપાસ હાથ ધરાઈ હતી. જે મહેન્દ્ર શિવપૂજન ગુપ્તા નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ત્યાંથી જોખમી પાસ્તાનું વેચાણ કરાતું હોવાનું જણાતા એજન્સીને સીલ કરાઈ હતી. આ દરમિયાન પોપકોર્ન, સોયા ચિપ્સ સહિત શંકાસ્પદ વસ્તુઓના 7 નમૂના લઈ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ વિવિધ પ્રકારના નાસ્તાના 75 હજાર પેકેટ એટલે પોણા ચાર લાખ રૂપિયાના 1500 કિલો શંકાસ્પદ જથ્થાનું વેચાણ સ્થગિત કરાવવામાં આવ્યું હતું. જો કે વધુ તપાસ દરમિયાન નાસ્તાના પેકેટોનું ઉત્પાદન પાટણના સિદ્ધપુરમાં ધારીવાલા ફૂડ્સ નામના એકમ દ્વારા કરાતું હોવાની જાણ થઈ હતી.

કઈ વસ્તુના નમૂના લેવાયા?

કેચ અપ કચોરી
•સોયા ચિપ્સ
•બચ્ચો કા પાસ્તા
•બિલુ પોપ કોર્ન
•પાસ્તા કા નાસ્તા
•મસ્તી કી પાઠશાલા નમકીન
•સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી(કેન્ડી)

ડાઈવાળા પાસ્તાથી લિવર ઈન્ફેક્શનનું જોખમ

સામાન્ય રીતે ઓઈલ સોલ્યુબલ ડાઈ પ્લાસ્ટિક, રબર, લેધર, ઈન્ક, પેઈન્ટ વગેરેમાં વપરાતી હોય છે. ફૂડ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, આવા જોખમી અને અખાદ્ય રંગોના સેવનથી ટૂંકા ગાળે ઉલ્ટી, અપચો, એલર્જી, જ્યારે લાંબા ગાળે લિવર ઈન્ફેક્શન થઈ શકે છે.


Related Posts

Load more