વાદળો વરસે કે ન વરસે પણ આજથી આકાશમાં એક મહિનો ઉલ્કાવર્ષા, પ્રતિ કલાકે સર્જાશે અદભૂત ઘટના

By: Nation Gujarat Team
18 Jul, 2026

Delta Aquariids meteor shower 2026: ચાલુ જુલાઈ મહિનાના અંતમાં આકાશમાં એક અદભૂત અવકાશી નજારો જોવા મળવાનો છે. તા. 18 જુલાઈ એટલે કે આજથી વિશ્વભરમાં ‘ડેલ્ટા-એકવેરીફુસ’ ઉલ્કાવર્ષાની શરૂઆત થઈ રહી છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ કરીને 29, 30 અને 31 જુલાઈના રોજ આ ઉલ્કાવર્ષા તેની ચરમસીમા પર હશે, જે રાત્રિના સમયે આકાશને એક અદભૂત પ્રકાશથી ઝળહળતું કરી દેશે.

શું છે આ ‘ઉલ્કાવર્ષા’ કે ‘ફાયરબોલ’?

જ્યારે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ફરતી વખતે ધૂમકેતુઓ દ્વારા પાછળ છોડવામાં આવેલા અવશેષો અને ધૂળના રજકણોના વાદળમાંથી પસાર થાય છે, ત્યારે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ વેગ (આશરે 30 કિમી પ્રતિ સેકન્ડ) સાથે પ્રવેશ કરે છે. વાતાવરણના વાયુઓ સાથેના ઘર્ષણને કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને આકાશમાં પ્રકાશિત લીસોટા રૂપે જોવા મળે છે, જેને આપણે ‘ઉલ્કાવર્ષા’ કે ‘ફાયરબોલ’ કહીએ છીએ.

પ્રતિ કલાક 15થી 20 ઉલ્કાઓ જોવાનો લહાવો

નિષ્ણાતોના મતે, આજથી એક મહિના સુધી સ્વચ્છ આકાશમાં પ્રતિ કલાક 15થી 20 ઉલ્કાઓ પડતી જોવા મળી શકે છે. પૃથ્વી પર દરરોજની આશરે 40 ટન જેટલી ઉલ્કા આ પ્રવેશતી હોય છે મોટાભાગની ઉલ્કા આ વાતાવરણમાં જ સળગીને રાખ થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર અત્યાર સુધીમાં આ ઉલ્કાઓની રાખનો એક ઇંચથી વધુ જાડો થર જમા થઈ ગયો છે, જેમાં લોખંડ અને નિકલ જેવા તત્વોની હાજરી હોય છે.

ક્યારે અને કેવી રીતે ઉલ્કાવર્ષાનો નજારો જોશો

શ્રેષ્ઠ સમય: મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢ સુધીનો સમય આકાશમાં ખરતી ઉલ્કાવર્ષાનો નજારો માણવા માટે સૌથી ઉત્તમ છે.

ક્યાં જોવી: ઉલ્કાવર્ષા જોવા માટે શહેરના પ્રદૂષણ અને પ્રકાશથી દૂર હોય તેવી નિર્જન, દરિયાઈ કિનારા કે પર્વતીય જગ્યાઓ પસંદ કરવી જોઈએ..

કેવી રીતે જોવી: આ માટે કોઈપણ ખાસ સાધન કે ટેલિસ્કોપની જરૂર નથી, તમે તેને નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકો છો. જોકે, વધુ સારી રીતે અવલોકન કરવા માટે 10-50ના મેગ્નિફિકેશન વાળા દૂરબીનનો ઉપયોગ કરી શકાય છે.

અવરોધ: આકાશ એકદમ સ્વચ્છ હોવું જરૂરી છે. વાદળછાયું વાતાવરણ કે વરસાદી માહોલ આ નજારામાં અવરોધરૂપ બની શકે છે.


Related Posts

Load more