અંબાજી મંદિરના ભંડારની ગણતરી દરમિયાન ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંદિરના ભંડારમાંથી રૂપિયા 1.04 લાખની કિંમતનો નોટોનો બંડલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર હંગામી કર્મચારી ઝડપાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપી કર્મચારી બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યો અને તેની પાસે સંતાડેલો નોટોનો બંડલ નીચે પડી ગયો.
દાનમાં રકમની ગણતરી દરમિયાન ચોરીનો પ્રયાસ
માહિતી મુજબ મંદિરના ભંડારમાં દાનમાં આવેલી રકમની ગણતરી ચાલી રહી હતી. આ દરમિયાન હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે રૂપિયા 500ની 208 નોટોનું કુલ રૂપિયા 1.04 લાખનું બંડલ સંતાડી લીધું હતું. બાદમાં તે બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યો હતો. જોકે રસ્તામાં જ નોટોનો બંડલ નીચે પડી જતા ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર તેના પર પડી હતી.
ઘટના CCTV કેમેરામાં કેદ
કર્મચારીઓએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરતા આરોપીની હરકત CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવને ગંભીરતાથી લઈ મંદિર ટ્રસ્ટના ચેરમેન તેમજ જિલ્લા કલેક્ટરે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અંબાજી મંદિરના અધિક કલેક્ટરે સમગ્ર મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં ચોરી માટે સંતાડવામાં આવેલા બંડલમાં રૂપિયા 500ની કુલ 208 નોટો મળી આવી હોવાનું સામે આવ્યું છે. મંદિર જેવી આસ્થાના કેન્દ્રમાં બનેલી આ ઘટનાએ ભક્તોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. હાલ પોલીસ CCTV ફૂટેજ, સ્થળ પરના પુરાવા અને અન્ય કર્મચારીઓના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે.