એક રાતમાં 6 હત્યા, બે પરિવારનો અંત, જામીન પર બહાર આવેલા માથાફરેલાએ ખેલ્યો ખૂની ખેલ

By: Nation Gujarat Team
11 Jul, 2026

Telangana Crime News : તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના શહાબાદ (શાબાદ) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રૂવાડા ઉભા કરી દે તેવી ક્રૂર ઘટના સામે આવી છે. અહીં પોક્સો (POCSO) એક્ટના એક આરોપીએ જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ એક જ રાતમાં બે પરિવારોના કુલ 6 લોકોની હત્યા કરી નાખી છે. નરાધમે તેને જેલમાં મોકલનાર સગીર પીડિતાના પરિવારની હત્યા કર્યા બાદ પોતાના ઘરે જઈને પત્ની અને બે માસૂમ બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ રીતે શરૂ થયો મોતનો ખૂની ખેલ

પોલીસના જણાવ્યા અનુસાર, 35 વર્ષીય આરોપી રાજુ કુમાર સામે સગીર છોકરીનો પીછો કરવા બદલ આ જ વર્ષે મે મહિનામાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. શુક્રવારે રાત્રે આશરે 10:45 વાગ્યે આરોપી પોતાના ગામ રાયવલગુડાથી 6 કિલોમીટર દૂર શહાબાદ પહોંચ્યો, જ્યાં સગીર પીડિતાનો પરિવાર રહેતો હતો. જેમ જ પીડિતાની 42 વર્ષીય માતાએ દરવાજો ખોલ્યો, રાજુએ તેમના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ ઘરમાં ઘૂસીને સૂઈ રહેલી 60 વર્ષીય નાનીની પણ હત્યા કરી નાખી. જોકે, ઘરમાં હાજર પીડિતાની 20 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ બહેનને તેણે કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.

સગીરાનું અપહરણ કરી તળાવ કિનારે હત્યા

ઘરમાં બે હત્યાઓ કર્યા બાદ આરોપી રાજુ કુમારે સગીર પીડિતાનું જબરદસ્તી કારમાં અપહરણ કર્યું હતું. તે તેને પોતાના ગામ પાસે આવેલી એક તળાવની પાળ પર લઈ ગયો અને ત્યાં ચપ્પુના ઘા ઝીંકીને તેની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને શવને ત્યાં જ છોડી દીધો.

માત્ર 6 મિનિટમાં પોતાના જ પરિવારનો અંત આણ્યો

તળાવ કિનારે સગીરાની હત્યા કર્યા બાદ રાજુ રાત્રે 11:21 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો. તપાસ અધિકારીઓના મતે તે ઘરમાં માત્ર 6 મિનિટ જ રોકાયો હતો. આટલી જ વારમાં તેણે રૂમમાં સૂઈ રહેલી પોતાની 31 વર્ષીય પત્ની અને બે માસૂમ દીકરાઓ (એકની ઉંમર 4 વર્ષ અને બીજાની 18 મહિના) નું ગળું રેતી દીધું હતું.

પિતાને ફોન કરીને કહ્યું- ‘મેં બધાને ખતમ કરી દીધા’

આ ભયાનક નરસંહારને અંજામ આપ્યા બાદ આરોપીએ તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે, “મેં બંને પરિવારોને ખતમ કરી દીધા છે અને હવે હું પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.” આ સાંભળી ગભરાયેલા પિતાએ તરત જ પોલીસને જાણ કરી હતી. ફ્યુચર સિટીના પોલીસ કમિશનર તરુણ જોશીએ જણાવ્યું કે આરોપી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો છે, તેને પકડવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે અને તમામ 6 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.


Related Posts

Load more