ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

By: Nation Gujarat Team
09 Jul, 2026

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદી માહોલ બાદ હવે મેઘરાજાનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, માત્ર હળવોથી મધ્યમ વરસાદ જ જોવા મળશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્ર ગતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે ખાસ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસો માટે એટલે કે નવમીથી 15મી જુલાઈ સુધી ગુજરાતમાં એકાદ-બે જગ્યાઓથી લઈને કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન 1 કે 2 વાર હળવા ઝાપટાં અથવા મધ્યમ વરસાદ પડી શકે છે.

માછીમારો માટે દરિયો ન ખેડવાની કડક સૂચના

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. આગામી 11મી અને 12મી જુલાઈના રોજ પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 50 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેથી માછીમારોને આ બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમનો પવન 15થી 20 નોટ(વધુમાં વધુ 25 નોટ)ની ઝડપે ફૂંકાઈ શકે છે, જેના કારણે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ અને દરિયો મધ્યમથી તોફાની રહેશે.

રાહતના સમાચાર એ છે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અગાઉ જે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તે આજે હટાવી લેવામાં આવ્યું છે.

ચાલુ સીઝનમાં વરસાદની 9%ની ઘટ

હવામાન વિભાગે ચાલુ સીઝનના વરસાદી આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 162.5 મિ.મી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમય સુધીમાં 178.7 મિ.મી વરસાદ થવો જોઈતો હતો. આથી, હાલમાં સરેરાશ વરસાદમાં 9%ની ઘટ જોવા મળી રહી છે.

ભારે વરસાદની સિસ્ટમ હાલ નબળી પડી હોવાથી રાજ્યના નાગરિકોને ઉઘાડ નીકળતા બફારામાંથી થોડી રાહત મળશે, પરંતુ માછીમારોએ દરિયાઈ પવનના કારણે આગામી થોડા દિવસો સાવધ રહેવું પડશે.


Related Posts

Load more