AI Driving License Test: અમદાવાદ (Ahmedabad) RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) ઇસ્યુ કરવામાં આવશે નહીં.
એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ સંઘવીની ભલામણ’ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે! હવે માત્ર અને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિસ્ટમ જેને પાસ કરશે, તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. વાહન ચલાવતા આવડતું હશે તો જ નાગરિકો લાયસન્સ મેળવી શકશે, જેનાથી રોડ સેફ્ટી વધુ મજબૂત બનશે.
અમદાવાદ શહેરના વાહનચાલકો માટે આ નવનિર્મિત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO Office) ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. રૂ. 62 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય અને અદ્યતન ભવનના કારણે જૂની કચેરીની સરખામણીએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ આધુનિક કચેરી કાર્યરત થતાં જ હવે હજારો અરજદારોને રોજિંદી હાલાકી અને એજન્ટોના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળશે.
RTO કચેરીઓમાં સામાન્ય રીતે જોવા મળતી સર્વર ડાઉન (Server Down) થવાની કે ઓનલાઇન કામ અટકી જવાની સમસ્યાઓ હવે આ નવા ભવનમાં નહિવત થઈ જશે. અહીં અત્યાધુનિક ડિજિટલ નેટવર્ક સિસ્ટમ સેટ કરવામાં આવી છે, જેથી નાગરિકોના ડિજિટલ કામો કોઈપણ અડચણ વગર મિનિટોમાં પૂરા થઈ શકે. આ નવી ટેકનોલોજીના કારણે કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ જનતાને કાયમી છૂટકારો મળશે.
કચેરીમાં આવતા અરજદારોની સુવિધા માટે પ્રવેશદ્વાર પર જ એક વિશાળ અને આધુનિક સેન્ટ્રલ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગરમી કે પ્રતિકૂળ હવામાનમાં પણ લોકો અહીં આરામથી બેસી શકશે. આ ઉપરાંત, જે નાગરિકો ઝડપી સેવા ઈચ્છે છે તેમના માટે ખાસ ‘પ્રીમિયમ સેટિંગ વ્યવસ્થા’ ઊભી કરવામાં આવી છે. આ આખી વ્યવસ્થા સરકારી કચેરીને કોર્પોરેટ લુક અને સુવિધા પ્રદાન કરે છે.