Ahmedabad News: અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. શહેરના સરખેજ ગામતળ વિસ્તારનો મુખ્ય રોડ પ્રથમ વરસાદમાં જ અચાનક જમીનમાં બેસી ગયો હતો. રસ્તા પર મોટો ભૂવો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
માત્ર એક મહિના પહેલાં જ કરાયું હતું કામચલાઉ પૂરાણ
આ ઘટનાને પગલે તંત્રની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, માત્ર એક મહિના પહેલાં જ આ સ્થળે તંત્ર દ્વારા મોટી પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું નજીક હોવાની જાણ હોવા છતાં, અધિકારીઓએ યોગ્ય રીતે પાકું સમારકામ કરવાને બદલે માત્ર માટી નાખીને કામચલાઉ પૂરાણ કરી રસ્તો ચાલુ કરી દીધો હતો. તંત્રની આ વેઠ ઉતારવાની નીતિને કારણે પ્રથમ વરસાદી પાણી ભરાતાં જ આખો રોડ ધસી પડ્યો હતો.
કોર્પોરેટરો દોડ્યા અકસ્માત નિવારવા રસ્તો બંધ કરાયો
રોડ બેસી ગયાની માહિતી મળતાં જ સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોઈ મોટી હોનારત કે અકસ્માત ન સર્જાય તે માટે પ્રશાસનની મદદથી આ માર્ગને વાહનવ્યવહાર માટે તાકીદે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં પડેલા મોટા ખાડામાં ફરીથી કામચલાઉ પૂરાણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કોર્પોરેટરોના જણાવ્યા મુજબ, હાલ પૂરતો વાહનોનો પ્રવેશ અટકાવી દેવાયો છે અને વરસાદ બંધ થયા બાદ અહીં કાયમી ધોરણે પાકું રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવશે.