અમદાવાદ: હિંદુ લગ્ન અધિનિયમને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરગામી અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, માત્ર મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (લગ્નનું પ્રમાણપત્ર) હોવાના આધારે કોઈ હિંદુ લગ્નને કાયદેસરની માન્યતા મળી શકે નહીં. હિંદુ લગ્ન કાયદાની કલમ-૭ અનુસાર, જરૂરી ધાર્મિક વિધિ-વિધાન અને પરંપરા મુજબ સપ્તપદી (સાત ફેરા) પૂર્ણ થયા બાદ જ લગ્ન કાયદેસર ગણાય છે. કોર્ટે ઉમેર્યું કે, લગ્ન એ કોઈ વ્યાપારી સોદો નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર આજીવન સંસ્કાર છે.
મેરેજ સર્ટિફિકેટને આધારે હિન્દુ લગ્ન માન્ય ના ગણાય
બ્રિટનમાં રહેતા એક યુવકે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. યુવકે દાવો કર્યો હતો કે યુવતીના પિતાની કંપનીમાં નોકરી દરમિયાન પ્રમોશનની લાલચ અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી છેતરપિંડીથી તેની સહી લેવામાં આવી હતી અને તેના આધારે લગ્નનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. યુવક અને યુવતી ક્યારેય હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન બંધનમાં જોડાયા નહોતા અને પતિ-પત્ની તરીકે પણ સાથે રહ્યા નહોતા.
અરજદારના વકીલ રાહિલ જૈને જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં સૌથી મહત્વની બાબત એ હતી કે સામે પક્ષે પોતાના લેખિત જવાબમાં જ સ્વીકારી લીધું હતું કે બંને વચ્ચે હિંદુ વિધિ મુજબ કોઈ લગ્નવિધિ થઈ નહોતી અને કોઈ ધાર્મિક સંસ્કાર પણ કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં ફેમિલી કોર્ટે માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે કેસને ટ્રાયલ માટે મોકલ્યો હતો, જે કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ હતો. એડવોકેટ રાહિલ જૈને વધુમાં જણાવ્યું હતું કે, હિંદુ લગ્ન અધિનિયમની કલમ-7 મુજબ જરૂરી વિધિ-વિધાન વગર કોઈ લગ્ન કાયદેસર બની શકતા નથી. જ્યારે કલમ-8 હેઠળનું મેરેજ રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે થયેલા લગ્નનો પુરાવો છે. એટલે જો મૂળભૂત રીતે લગ્નવિધિ જ થઈ નથી તો માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે કોઈને પતિ કે પત્નીનો કાયદેસર દરજ્જો મળી શકતો નથી. સુનાવણી દરમિયાન સામે પક્ષના વકીલે પણ હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે લગ્નના રજિસ્ટ્રેશન સિવાય એવો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી કે જે દર્શાવે કે હિંદુ કાયદા મુજબ લગ્નવિધિ સંપન્ન થઈ હતી.