ગુજરાતમાં ટેક્સી સેવાનો શરૂ થયો નવો યુગ: અમિત શાહે ગાંધીનગરથી કરાવ્યો પ્રારંભ

By: Nation Gujarat Team
27 Jun, 2026

Bharat Taxi Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને પરિવહન અને મોબીલિટી ક્ષેત્રે વિસ્તારવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ભારત ટેક્સી સહકારિતાના સિદ્ધાંતો પર આધારિત એક ડિજિટલ મોડલ છે, જે ‘સારથી જ માલિક’ ની વિભાવનાને સાકાર કરે છે. આ મોડલ હેઠળ ડ્રાઇવર માત્ર એક સેવા પ્રદાતા નથી, પરંતુ પ્લેટફોર્મના ભાગીદાર અને માલિક પણ છે. આનાથી તેમને આર્થિક સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને માલિકીનો લાભ મળે છે.

ગુજરાતના 14 પ્રમુખ શહેરોમાં થશે શરૂઆત
પ્રારંભિક તબક્કામાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ ગુજરાતના નીચે મુજબના 14 પ્રમુખ શહેરોમાં કરવામાં આવશે..

  • અમદાવાદ
  • સુરત
  • વડોદરા
  • રાજકોટ
  • જામનગર
  • ભાવનગર
  • જૂનાગઢ
  • દ્વારકા
  • સોમનાથ
  • વલસાડ
  • આણંદ
  • નડિયાદ
  • મહેસાણા
  • અમરેલી

આગામી એક મહિનાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારત ટેક્સીનું સોફ્ટ-લોન્ચિંગ ડિસેમ્બર 2025 માં કરવામાં આવ્યું હતું.

ભારત ટેક્સીની વિશેષતાઓ અને લાભો

સારથીઓ (ડ્રાઇવરો) માટે…

  • ઝીરો-કમિશન મોડલ: પ્લેટફોર્મ ઝીરો કમિશન મોડલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ લાભ સીધો ડ્રાઇવરોને જ મળે છે.
  • સામાજિક સુરક્ષા: ડ્રાઇવરોને વીમો, લોન, પેન્શન અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવામાં આવે છે.
  • નોંધણી: આ સંસ્થા 6 જૂન 2025 ના રોજ સ્થપાઈ હતી અને ‘મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002’ હેઠળ નોંધાયેલી છે.

ગ્રાહકો (મુસાફરો) માટે..

  • સર્જ-ફ્રી પ્રાઇસિંગ: ગ્રાહકોને માંગ વધવા પર ભાડામાં થતા અચાનક વધારા (સર્જ પ્રાઇસિંગ) થી મુક્તિ મળશે.
  • સુરક્ષિત મુસાફરી: ગુજરાત પોલીસના સીધા સહયોગથી ગ્રાહકો માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર યાત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે.
  • વિવિધ વિકલ્પો: મુસાફરો પોતાની સુવિધા મુજબ બાઇક, ઓટો અને કેબ સહિતના પરિવહન વિકલ્પોની પસંદગી કરી શકે છે.

દેશમાં સહકારિતા આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવતા ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ સારથીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે, જેમાંથી માત્ર ગુજરાતના જ 1.5 લાખથી વધુ સારથીઓ છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 37 લાખથી વધુ ગ્રાહકોએ ભારત ટેક્સી સેવાનો લાભ ઉઠાવ્યો છે.


Related Posts

Load more