Nirjala Ekadashi 2026: વર્ષ દરમિયાન આવતી અલગ અલગ એકાદશીમાંથી નિર્જળા એકાદશીને સૌથી ખાસ ગણવામાં આવે છે. પદ્મ પુરાણમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું કઠોર વ્રત એક દિવસ કરી લે છે તેને વર્ષની બધી જ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે અને તેને જાણે અજાણે કરેલા બધા જ પાકોથી મુક્તિ મળે છે.
જેઠ મહિનાની નિર્જળા એકાદશીનું વ્રત આ વર્ષે 25 જૂનના રોજ રાખવામાં આવશે. પંચાંગ અનુસાર એકાદશીની તિથિનો પ્રારંભ 24 જૂન બુધવારે સાંજે 6.13 મિનિટે થશે અને એકાદશી 25 જૂન ગુરુવારે સાંજે 8.10 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂને કરવું માન્ય ગણાશે અને વ્રતના પારણા 26 જુન 2026 અને શુક્રવારે કરવાના રહેશે.
નિર્જળા એકાદશી અને ભીમની કથા
નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. ધાર્મિક કથાઓ અનુસાર ભીમ તેની અસાધારણ શક્તિ અને વધારે ભોજન કરવાની આદતના કારણે પ્રસિદ્ધ હતા. તેમના માટે મહિનામાં બે દિવસ જ્યારે એકાદશી આવે ત્યારે પણ વ્રત કરવું મુશ્કેલ હતું કારણ કે તે ભૂખ્યા રહી શકતા નહીં. આ કારણે તે ચિંતિત રહેતા હતા કારણ કે તેમને એકાદશી કર્યાનું પુણ્ય મળતું નહીં. તેથી ભીમે એક દિવસ મહર્ષિ વેદવ્યાસ પાસે આ સમસ્યાનું સમાધાન માંગ્યું. વેદવ્યાસે ભીમને સલાહ આપી કે જો તે વર્ષ દરમિયાન આવતી નિર્જળા એકાદશીનું કઠોર વ્રત એક દિવસ ભોજન અને પાણીનો ત્યાગ કરીને કરી લેશે તો તેને આખા વર્ષની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. મહર્ષિ વેદ વ્યાસની વાત માની ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. જેથી તેમને બધી જ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થયું. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવાય છે.
નિર્જળા એકાદશીની પૂજા વિધિ
નિર્જળા એકાદશીનું વ્રત કરવું હોય તો એકાદશીના દિવસે સૂર્ય ઉદય થાય તે પહેલા જાગી જવું અને સ્નાનાદી કર્મ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી વ્રત કરવાનો સંકલ્પ લેવો. સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી. નિર્જળા એકાદશીના વ્રત દરમ્યાન ભોજન અને પાણીનો ત્યાગ કરવાનો હોય છે. વ્રત કર્યું હોય ત્યારે ક્રોધ કરવાનું, ખોટું બોલવાનું અને કોઈ માટે અપશબ્દો બોલવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ કરવું અને યથાશક્તિ દાન કરવું.
નિર્જળા એકાદશીના વ્રતના પારણાની વિધિ
નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હોય તો તેના પારણા પણ વિધિપૂર્વક કરવા જરૂરી છે. આ વ્રતના પારણા 26 જુન 2026 અને શુક્રવારે કરવામાં આવશે. એકાદશીના વ્રતના પારણા પ્રાતઃકાળમાં થાય તે અત્યંત શુભ ગણાય છે. વ્રતના પારણા કરવા હોય તો સવારે સૂર્યોદય સમયે જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરી તેમને પીળા વસ્ત્ર, ચંદન, પુષ્પ અર્પણ કરવા. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવી ભગવાનને ભોગ અર્પણ કરવો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની આરતી કરવી અને વ્રતમાં અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માંગવી. ત્યાર પછી ભગવાનનો જે પ્રસાદ હોય તેમાંથી તુલસી પહેલા ગ્રહણ કરી વ્રતના પારણા કરવા.
નિર્જલા એકાદશી 2026 પારણા કરવાનું મુહૂર્ત
26 જૂન 2026 અને શુક્રવારે નિર્જળા એકાદશીના પારણા કરવા માટે ઉત્તમ સમય સવારે 5.14 મિનિટથી સવારે 8 કલાક સુધીનો છે. પારણાના દિવસે સવારે 10.22 મિનિટ સુધી જ બારસની તિથિ છે. એટલે સવારના સમયે પારણા કરવા ઉત્તમ ગણાશે.