Morbi News: મોરબીના જેતપર ખાતે વિજપોલ કંપનીની દાદાગીરી અને અન્યાયી નીતિઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ આજે 5 મા દિવસે પણ અવિરત ચાલુ રહ્યા છે. આ આંદોલનમાં 3 મહિલાઓ સહિત કુલ 9 જેટલા ખેડૂતો ધરણા પર બેસીને પોતાની પડતર માંગણીઓ માટે લડત આપી રહ્યા છે. ખેડૂતોના આ ન્યાયી સંઘર્ષને રાજ્યભરમાંથી જનસમર્થન મળી રહ્યું છે અને અનેક ખેડૂત આગેવાનો ઉપવાસ છાવણીની મુલાકાત લઈ આંદોલનને મજબૂત બનાવી રહ્યા છે.
આ આંદોલનને વધુ ગતિશીલ અને લોકભોગ્ય બનાવવા માટે ગત રાત્રે ઉપવાસ છાવણી ખાતે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં જાણીતા સાહિત્યકાર અને લોક કલાકાર હકાભા ગઢવીએ ખાસ હાજરી આપી હતી. હકાભાએ પોતાની આગવી શૈલીમાં સરકારને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, “ખેડૂતો આ દેશનો આધાર છે, તેમની જે કાંઈ વ્યાજબી માંગણીઓ હોય તે સરકાર ત્વરિત પૂરી કરે.”
ડાયરામાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જે ખેડૂતોની એકતાનું પ્રતીક બની રહ્યું છે. હાલ આ આંદોલન મોરબી પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે અને વિજપોલ કંપની સામે ખેડૂતોના વિરોધનો વંટોળ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે.