મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

By: Nation Gujarat Team
20 Jun, 2026

Maharashtra Sabha Mandap Collapses: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકા સ્થિત પ્રસિદ્ધ યશવાડી મારૂતિ મંદિર પરિસરમાં આજે શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ. મંદિરમાં સભામંડપની છત અચાનક કડડભૂસ થઈને તૂટી પડી હતી. જેમાં 5થી વધુ લોકોના મોત થયા છે તો 25થી વધારે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, છત પડતાં જ નાસભાગ મચી ગઈ. જેના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સભામંડપના કાટમાળમાં આશરે 30થી 40 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના સમાચાર છે, જ્યારે કેટલાક લોકોના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને રાહત-બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.


Related Posts

Load more