Football World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ 2026 વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. આર્જેન્ટિનાના મીડિયામાં એક ફેક ન્યુઝના અહેવાલે હોબાળો મચાવ્યો હતો. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના પરિવાર વિશે ખોટી માહિતી પ્રસારિત કરવા બદલ આર્જેન્ટિનાની એક લોકપ્રિય સ્ટ્રીમિંગ ચેનલની આખી ટીમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
ફૂટબોલ વર્લ્ડ કપ 2026 દરમિયાન આર્જેન્ટિનાની ચેનલ ‘લુઝુ ટીવી’એ એક સમાચાર ચલાવ્યા હતા કે લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું નિધન થયું છે. આ પછી ચેનલે ‘એલ શો ડેલ વેરાનો’ના હોસ્ટ ફ્લોરેન્સિયા પેના અને સમગ્ર પ્રોડક્શન ટીમને નોકરીમાંથી કાઢી મુકી હતી. ટીમે લાઇવ પ્રસારણ દરમિયાન આ સમાચાર ચલાવ્યા હતા.
લિયોનેલ મેસ્સીના પિતા વિશે ફેક ન્યુઝ ચલાવ્યા
ચાલુ શો એ અચાનક હોસ્ટ ફ્લોરેન્સિયાએ પ્રોગ્રામ અટકાવી દીધો અને ગંભીર અભિવ્યક્તિ સાથે પ્રેક્ષકોને જાણ કરી કે, અહેવાલો અનુસાર, લિયોનેલ મેસ્સીના પિતાનું નિધન થયું છે. હોસ્ટે વધુમાં જણાવ્યું કે લિયોનેલ મેસ્સી તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે આર્જેન્ટિના પાછા ફરવા માટે યુએસમાં વર્લ્ડ કપ કેમ્પ છોડી રહ્યા છે. બાદમાં લિયોનેલ મેસ્સીના પરિવાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જોર્જ મેસ્સી મેડિકલ દેખરેખ હેઠળ છે, તે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની શારીરિક સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે.
મેસીએ ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કર્યા
મેસ્સીની ફૂટબોલ વર્લ્ડ કપ સફર 2006માં શરૂ થઈ હતી અને આજ સુધી તેણે રેકોર્ડ 27 મેચ રમી છે. ફૂટબોલ વર્લ્ડ કપ ઇતિહાસમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તેના નામે છે, જેમાં 16 ગોલ છે. 1987માં રોઝારિયોમાં ફૂટબોલ પ્રેમી પરિવારમાં જન્મેલા મેસ્સીએ જ્યારે પહેલીવાર પોતાના ભાઈઓ સાથે ઘરે ફૂટબોલ રમતો હતો, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ તેનું નામ વિશ્વના મહાન ખેલાડીઓમાં ગણાશે