ફ્લાઈટમાં ટોઇલેટના સ્પીકરમાંથી 4 કરોડનું સોનું ઝડપાયું:બે પાઉચમાંથી 24 ગોલ્ડ બિસ્કિટ મળ્યા

By: Nation Gujarat Team
13 Jun, 2026

અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને અંદાજે ₹4 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. દુબઈથી આવેલી ફ્લાઈટમાં સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને અધિકારીઓ ગોથે ચડ્યા હતાં. 12 જૂન ફલાઈટના આગળના લેવેટરી (ટોઇલેટ) સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટીક ટેપમાં લપેટેલી હાલતમાં બે પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચમાંથી 24 સોનાના બિસ્ક્રીટ મળી આવ્યા હતાં. 999 કેરેટના આ બિસ્ક્રીટોની બજાર કિંમત 4 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ અત્યંત કિંમતી હોવા છતાં તે અંગે કોઇએ દાવો નહીં કરતાં કસ્ટમ્સ વિભાગે તે સોનાનો જથ્થો કબ્જે કરીને માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

દેશના વડાપ્રધાને દેશવાસીઓને સોનાની ખરીદી ઓછી કરવા માટે અપીલ કરી છે. બીજી તરફ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ દેશમાં સોનાની દાણચોરી કરવામાં સક્રિય બની છે. હજુ ગઇકાલે(11 જૂન) 60 લાખથી વધુ કિંમતના સોનાના હૂક મળી આવ્યા હતા. કસ્ટમ્સની બાજ નજર હેઠળ મુસાફરો ઝડપાઇ જતાં હોવાથી ગુનેગારોએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના એરપોર્ટ ( SVPI ) પર આજે તા. 12મી જૂનના રોજ દુબઈથી પહોંચેલી ઈન્ડિગો ફ્લાઇટ નં. 6E-1478 પર હાથ ધરાયેલી તપાસ દરમિયાન, કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી, વિમાનના આગળના લેવેટરી(ટોઇલેટ) સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા બે પાઉચ જપ્ત કર્યા હતા.

આ પાઉચમાં તપાસ કરતાં આ છુપાયેલા પાઉચમાં 999 .0 શુદ્ધતા ( 24 કેરેટ) ના 24 વિદેશી મૂળના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 2,799.3 ગ્રામ હતું. સ્થાનિક બજારમાં આ સોનાની કિંમત ₹4,26,89,325/- (રૂપિયા ચાર કરોડ છવ્વીસ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો પચીસ માત્ર) થાય છે. છુપાવવાની રીત દર્શાવે છે કે સોનાને કોઈ અજાણ્યા વ્યક્તિએ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભારતમાં દાણચોરી કરવાના ઇરાદાથી ગુપ્ત રીતે છુપાવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની કાયદેસર માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ આગળ ન આવતાં, કસ્ટમ્સ એક્ટ, 1962 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેને દાવા વગરનું તરીકે જપ્ત કરવામાં આવ્યું.

ગઇકાલે વેરાવળના એક મુસાફર 60 લાખથી વધુ કિંમતના સોનાના હૂક સાથે ઝડપાયો હતો. આમ રોજબરોજ કોઇને કોઇક રીતે મુસાફરો અથવા તો દાણચોરો દ્રારા ભારતમાં સોનું ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી કસ્ટમ્સનું એર ઇન્ટલીજન્ટ યુનિટ પણ બાજ નજર રાખીને બેઠું હોય છે. જેના કારણે દાણચોરો દેશમાં સોનું ઘૂસાડવામાં નિષ્ફળ નિવડે છે. આ અંગે સીસીટીવીની મદદથી કોણ આ સોનું છૂપાવી ગયું છે વગેરે દિશામાં કસ્ટમ્સ વિભાગ દ્રારા તપાસ કરીને મૂળ માલિકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Related Posts

Load more