Rajkot News: આપણે 21મી સદીમાં જીવીએ છીએ, જ્યાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સૂરજ તપે છે. પરંતુ રાજકોટમાં બનેલી એક તાજેતરની ઘટનાએ સાબિત કરી દીધું છે કે સમાજના અમુક હિસ્સામાં આજે પણ મધ્યયુગીન માનસિકતા અને અંધશ્રદ્ધાનો અંધકાર અકબંધ છે. વર્ષો પહેલા વિધવાનું મુંડન કરાવવાની પ્રથા હવે રાજકોટમાં રહેતી એક વિધવા સાથે બન્યું છે. શ્રીજા દિવસે જ સાસુ અને નણંદે સાથે મળી બળજબરીથી મુંડન કરાવી નાંખ્યું હતું.
રાજકોટના માયાણી ચોક વિસ્તારમાં પિયરમાં રહેતા ૩૬ વર્ષીય સોનલબેન જાગાણીએ તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય તેવી છે. ૨૦૨૩માં સોનલબેનના પતિ ચંદ્રેશભાઈનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું. પતિના મૃત્યુના હજુ ત્રીજા જ દિવસે, જ્યારે પરિવાર શોકમાં ડૂબેલું હોવું જોઈએ, ત્યારે તેમના સાસુ અને નણંદે એક અમાનવીય આદેશ આપ્યો. તેમણે સોનલબેનને ધમકાવતા કહ્યું કે, “જો તું માથાનું મુંડન નહીં કરાવે, તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે.” પુરાતનકાળની આ કુપ્રથાને આત્માની શાંતિ સાથે જોડીને એક લાચાર વિધવા પર દબાણ કરવામાં આવ્યું અને આખરે બળજબરીથી તેમનું મુંડન કરાવી નાખવામાં આવ્યું.
વિજ્ઞાનના યુગમાં ભૂવા-ભારાડીનો પ્રભાવ
સોનલબેનની આપવીતી મુજબ, તેમના સાસરિયાઓ શરૂઆતથી જ અંધશ્રદ્ધામાં ગળાડૂબ હતા. તેમના સાસુ અવારનવાર ઘરે ભૂવાઓને બોલાવતા અને દોરા-ધાગામાં માનતા હતા. કરુણતા તો એ વાતની છે કે જ્યારે સોનલબેનના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ, ત્યારે પણ સાચી તબીબી સારવાર કરાવવાને બદલે અંધશ્રદ્ધાના રસ્તે ચાલવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.
સામાજિક શરમ અને માનસિક આઘાત
મુંડન કરાવ્યા બાદ સોનલબેન જે માનસિક યાતનામાંથી પસાર થયા તે કલ્પના બહારની છે. તેમણે પોલીસને જણાવ્યું કે મુંડનને કારણે તેઓ લાંબા સમય સુધી ઘરની બહાર નીકળી શક્યા નહોતા. સમાજમાં શરમ અને સંકોચને કારણે તેમણે મહિનાઓ સુધી કેદ જેવું જીવન જીવવું પડ્યું. આજે આઠ મહિના પછી પણ માથે થોડા વાળ આવ્યા હોવા છતાં, તેમણે હજુ પણ માથું ઢાંકીને બહાર નીકળવું પડે છે.