ST ડ્રાઈવરોને બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

By: Nation Gujarat Team
07 Jun, 2026

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) પોતાના એસટી કર્મચારીઓ માટે નવી શિસ્ત સંબંધિત સૂચનાઓ જાહેર કરી છે. નિગમે ફરજ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈને કડક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેના મુજબ હવે ડ્રાઈવિંગ કે ડ્યૂટી દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રહેશે.

નિગમે કર્મચારીઓને પરિપત્ર પાઠવ્યો

નિગમ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે એસટી બસ ચલાવતી વખતે ડ્રાઈવરો કોઈપણ સ્થિતિમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિર્ણય મુસાફરોની સુરક્ષા અને માર્ગ અકસ્માતોને અટકાવવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ કંડક્ટર અને અન્ય સ્ટાફને પણ ફરજ દરમિયાન મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.

કર્મચારીઓને સોશિયલ મીડિયા ઉપયોગથી દૂર રહેવા પણ તાકીદ

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે કર્મચારીઓ ડ્યૂટી દરમિયાન રીલ બનાવવી, ફોટોગ્રાફી કરવી અથવા સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવું નહીં. નિગમનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી ધ્યાન ભંગ થાય છે અને કામગીરી પર અસર પડે છે, જે મુસાફરોની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. નિગમે કર્મચારીઓને સોશિયલ મીડિયા ઉપયોગથી દૂર રહેવા પણ તાકીદ કરી છે, ખાસ કરીને જ્યારે તેઓ ફરજ પર હોય ત્યારે. સંસ્થાએ જણાવ્યું છે કે કર્મચારીઓએ સંપૂર્ણ ધ્યાન પોતાની જવાબદારી અને સેવા પર કેન્દ્રિત રાખવું જોઈએ.


Related Posts

Load more