ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત,

By: Nation Gujarat Team
06 Jun, 2026

શ્રીનાથગઢ-મોવિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમિત ખુંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નિપજ્યું છે. સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ‘દાવત બેવરેજીસ’ પાસે એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો. જેમાં અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ પાસે શ્રીનાથજી મોવિયા રોડ પર એક કાર લીમડાના ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. પૂરપાટ ઝડપે જતી કારના અકસ્માતમાં ૨૫ વર્ષીય પૂજા રાજગોર નામની યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કારનો કુરચો બોલી ગયો છે. આ દુર્ઘટનામાં ૫ વર્ષની બાળકી સહિત અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર, રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પૂજા રાજગોરના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો છે.

પૂર્વ પતિએ એક શરતે પૂજા રાજગોરનો મૃતદેહ લીધો
આ અકસ્માત બાદ વિકટ સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે, પૂજા રાજગોરના માતાપિતાએ તેના મૃતદેહનો કબજો લેવાની ના પાડી દીધી હતી. તેથી પોલીસે તેના પૂર્વ પતિ વશ ડોડિયાનો સંપર્ક કર્યો હતો. આખરે અકસ્માતના કલાકો બાદ પૂર્વ પતિ પૂજાનો મૃતદેહની જવાબદારી લેવા તૈયાર થયો હતો. જેના બાદ પોલીસે કાર્યવાહી પૂરી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2025 માં પૂજા અને યશ ડોડિયાના પ્રેમલગ્ન થયા હતા. તેના એક વર્ષ બાદ ફેબ્રુઆરી, 2026 માં છુટાછેડા થયા હતા. તેના બાદથી યશ ડોડિયા અને પૂજા ડોડિયા વચ્ચે કોઈ સંપર્ક રહ્યો ન હતો. યશ ડોડિયાએ પોલીસને જણાવ્યું હતું કે, હું માનવતા ખાતર અહી આવ્યો છું. મને વકીલ મારફતે આ જાણ થઈ હતી. જોકે, જો પોલીસ મને આ બનાવમાં ફરિયાદી બનાવશે તો હું મૃતદેહ નહિ સ્વીકારું અને પરત ફરી જઈશ.

પૂજા રાજગોર મૂળ જુનાગઢની વતની છે. બે બહેનો અને એક ભાઈના પરિવારમાં તે વચ્ચેની દીકરી હતી. તેના પિતા રિટાયર્ડ છે. જોકે, પૂજાએ ત્રણ વર્ષથી તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. તેના બાદ તે નિરાલી ગોહિલ નામની મહિલા સાથે રહેતી હતી, જે પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ છે.


Related Posts

Load more