દાઉદ ઇબ્રાહિમ તરફથી મળતી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ!
લલિત મોદીએ એવો દાવો કર્યો કે, તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી દૂર થયા તેની પાછળનું સૌથી મોટું કારણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો તરફથી મળેલો જાનનું જોખમ હતું. તેમણે આરોપ લગાવ્યો કે, “મેં ક્રિકેટમાં મેચ ફિક્સિંગને નજરઅંદાજ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેના કારણે મારા પર ત્રણ વખત હુમલો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંગ પર ચૂપ રહેવાના બદલામાં મને કરોડો ડોલરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં તે તમામ ઓફરો ઠુકરાવી દીધી હતી.”
આઈપીએલ સાઉથ આફ્રિકા લઈ જતાં સટ્ટાબજારો કંગાળ થયા!
લલિત મોદીના જણાવ્યા અનુસાર, આઈપીએલની શરૂઆતની ત્રણ સીઝનમાં તેમણે ફિક્સિંગ થવા દીધું ન હતું, જેના કારણે અંડરવર્લ્ડ અને સટ્ટાબાજીનું આખું નેટવર્ક તેમનાથી ભારે નારાજ હતું. જ્યારે આઈપીએલ-2ને ભારતની બહાર દક્ષિણ આફ્રિકા શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો, ત્યારે સટ્ટાબાજોને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું, કારણ કે સટોડિયાઓએ આઈપીએલ રદ થવા પર મોટો દાવ લગાવ્યો હતો.
આ અદાવતમાં મુંબઈમાં લલિત મોદીના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ સિવાય સાઉથ આફ્રિકા અને મોન્ટેનેગ્રોમાં પણ તેમની હત્યાના કાવતરાં ઘડાયા હતા, જ્યારે લંડનમાં તેમના પુત્રનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સેટેલાઇટ ફોન પર દાઉદ સાથે વાતચીત
પોડકાસ્ટમાં મોટો ધડાકો કરતા મોદીએ જણાવ્યું કે, વર્ષ 2012માં લંડનની એક વગદાર વ્યક્તિ સિક્રેટ માધ્યમથી તેમની વાતચીત સેટેલાઇટ ફોન પર દાઉદ ઇબ્રાહિમ સાથે કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગેંગે ભૂતકાળમાં તેમની મદદ કરી છે, તેથી બદલામાં તેમણે પણ અંડરવર્લ્ડ માટે કંઈક કરવું પડશે. જોકે, બાદમાં દાઉદ ઇબ્રાહિમે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે તેના અને લલિત મોદી વચ્ચેનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. આ અંગે ખુલાસો કરતા મોદીએ કહ્યું કે, “મેં દાઉદ સાથે કોઈ ડીલ નહોતી કરી, મેં માત્ર એટલું જ વચન આપ્યું હતું કે હું ક્રિકેટ પ્રશાસનમાંથી કાયમ માટે નિવૃત્તિ લઈ રહ્યો છું.”