India vs New Zealand : ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેની આગામી 2026/27 હોમ સીઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં ભારતીય ટીમનો ન્યુઝીલેન્ડ પ્રવાસ મુખ્ય હાઇલાઇટ રહેશે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે યોજાનાર આ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ 5 ટી20 આંતરરાષ્ટ્રીય, 5 વનડે આંતરરાષ્ટ્રીય (ODI) અને 2 ટેસ્ટ મેચ રમશે. કુલ 12 મેચો ધરાવતો આ પ્રવાસ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી હોમ સીરીઝ બનવાનો છે. આ પ્રવાસ 22 ઓક્ટોબરે મર્યાદિત ઓવરની શ્રેણી સાથે શરૂ થશે અને ટેસ્ટ મેચ સાથે સમાપ્ત થશે.
ટીમ ઇન્ડિયા છ વર્ષ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસે
ભારતીય ટીમ લાંબા વિરામ બાદ ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ધરતી પર પગ મૂકશે. આ પહેલા ભારતે છેલ્લે 2019/20 સીઝન દરમિયાન ન્યુઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન કિવી ટીમે બે વાર ભારતનો પ્રવાસ કર્યો છે. જેમાં તાજેતરમાં પૂર્ણ થયેલા 2024/25 પ્રવાસનો પણ સમાવેશ થાય છે. જે દરમિયાન ન્યુઝીલેન્ડે ભારતને તેના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવીને ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું હતું. પરિણામે, ભારતીય ટીમ પાસે ન્યુઝીલેન્ડની ધરતી પર તે હારનો બદલો લેવાની તક હશે.
ભારત vs ન્યુઝીલેન્ડ શેડ્યૂલ
T20 શેડ્યૂલ
22 ઓક્ટોબર, પ્રથમ T20, હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ, 8 PM
24 ઓક્ટોબર, બીજી T20, હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ, 8 PM
27 ઓક્ટોબર, ત્રીજી T20, હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન, 8 PM
30 ઓક્ટોબર, ચોથી T20, ઇડન પાર્ક, ઓકલેન્ડ, 8 PM
1 નવેમ્બર, પાંચમી T20, સેડન પાર્ક, હેમિલ્ટન, 8 PM
ODI શેડ્યૂલ
4 નવેમ્બર, પ્રથમ ODI, ઇડન પાર્ક, ઓકલેન્ડ, 3 PM
7 નવેમ્બર બીજી ODI, હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન, 3 PM
10 નવેમ્બર ત્રીજી ODI, સેડન પાર્ક, હેમિલ્ટન, 3 PM
13 નવેમ્બર ચોથી ODI, બે ઓવલ, તૌરંગા, 3 PM
15 નવેમ્બર પાંચમી ODI, બે ઓવલ, તૌરંગા, 3 PM
ટેસ્ટ શેડ્યૂલ
19-23 નવેમ્બર, પ્રથમ ટેસ્ટ, સેલો બેસિન રિઝર્વ, વેલિંગ્ટન, 11 AM
27 નવેમ્બર – 1 ડિસેમ્બર, બીજી ટેસ્ટ, હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ, 11 AM
વિરાટ અને રોહિત ફરી એક વાર મેદાનમાં જોવા મળશે
આ ODI શ્રેણી ચાહકો માટે ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે તેમાં ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર રમતા જોવા મળશે. T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બે સિનિયર ખેલાડીઓ માટે આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારીઓ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષની શરૂઆતમાં બંને ટીમોએ ભારતમાં 8 મર્યાદિત ઓવરની મેચ રમી હતી. જ્યારે ન્યુઝીલેન્ડે ODI શ્રેણી 2-1થી જીતી હતી, ત્યારે ભારતે T20 શ્રેણીમાં તેમને 4-1થી કારમી હાર આપી હતી.