Gandhinagar News: ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા 2 જૂન 2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર, રાજ્યમાં હજુ પણ પાંચમા પગાર પંચ (ગુજરાત રાજ્ય સેવા નિયમો-૧૯૯૮) હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં માતબર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેતા મોંઘવારી ભથ્થા અને એરિયર્સ (તફાવત) ની રકમ કર્મચારીઓને તબક્કાવાર ચૂકવવામાં આવશે, જેનાથી હજારો કર્મચારીઓમાં આનંદનો માહોલ છે.
મોંઘવારી ભથ્થાના નવા દરોની વિગતવાર વિગતો
કેન્દ્ર સરકારના ધોરણો અને નાણાં વિભાગની પુખ્ત વિચારણા બાદ, પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે અલગ-અલગ સમયગાળાના આધારે મોંઘવારી ભથ્થાના દરો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે..
| સમયગાળો (અસરની તારીખ) | મોંઘવારી ભથ્થાનો નવો દર |
| ૧ જુલાઈ ૨૦૨૨ થી | ૩૬૯% |
| ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી | ૪૧૨% |
| ૧ જુલાઈ ૨૦૨૩ થી | ૪૨૭% |
| ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી | ૪૪૩% |
અગાઉ ૧૬/૧૦/૨૦૨૪ ના ઠરાવ મુજબ કર્મચારીઓને ૩૮૧% લેખે ભથ્થું ચૂકવાતું હતું. હવે કોરોના મહામારી દરમિયાન ફ્રીઝ થયેલા ભથ્થાને મુક્ત કરીને ૧ જુલાઈ ૨૦૨૧ થી ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીનું કુલ ૮૭% (૩૫૬% થી ૪૪૩% સુધીનું) મોંઘવારી ભથ્થાનું એરિયર્સ** હપ્તાવાર ચૂકવવાનું નક્કી કરાયું છે.
ક્યારથી મળશે લાભ અને કેવી રીતે થશે ગણતરી?
મોંઘવારી ભથ્થાનો આ વધારો જૂન-૨૦૨૬ ના પગાર સાથે (જે જુલાઈ-૨૦૨૬ માં ચૂકવવામાં આવશે) રોકડેથી અપાશે. મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી પગાર (Basic Pay + Dearness Pay) પર કરવાની રહેશે. ગણતરીમાં ૫૦ પૈસા કે તેથી વધુ રકમને આખા રૂપિયામાં ગણવામાં આવશે, જ્યારે ૫૦ પૈસાથી ઓછી રકમને ધ્યાને લેવાશે નહીં. આ મોંઘવારી ભથ્થું વળતરના અલગ ભાગ તરીકે જ રહેશે. તેને ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ હેઠળ ‘પગાર’ તરીકે ગણવામાં આવશે નહીં.કયા-કયા કર્મચારીઓને આ ઠરાવનો લાભ મળશે?
ગુજરાત સરકારના આ નિર્ણયનો વ્યાપ ઘણો મોટો છે. આ હુકમો નીચે દર્શાવેલા તમામ પાત્ર કર્મચારીઓ/અધિકારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારના તમામ નિયમિત કર્મચારીઓ (જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે). પંચાયત કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ કે બદલી પામેલા કર્મચારીઓ. સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ. સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ. સહાયક અનુદાન મેળવતી (ગ્રાન્ટેડ) અને બિન-અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ. કામ પૂરતા મહેકમ (Work Charged) ના કર્મચારીઓ તેમજ બોર્ડ-નિગમના પાત્ર સ્ટાફ.
સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ માટે મહત્વની શરત
નાણાં વિભાગના ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંચાયતો, નગરપાલિકાઓ, બોર્ડ-નિગમો અને અનુદાનિત સંસ્થાઓએ આ મોંઘવારી ભથ્થા અને તફાવતની રકમનો લાભ આપવા માટે પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે. આ વધારાના આર્થિક બોજ માટે રાજ્ય સરકાર દ્વારા જે-તે સંસ્થા કે નગરપાલિકાને કોઈ પણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. તેમજ ચૂકવાપાત્ર તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓ કરતાં વધવો જોઈએ નહીં.
જાણો નાણાં વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે?
રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૦૬ ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગારસુધારણા) નિયમો-૨૦૦૯ લાગુ પાડવામાં આવતાં નવા પગારધોરણો ઉપર તા.૦૧/૦૧/૨૦૦૬ થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૦૯ અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૧૯૯૮ હેઠળના પગારધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં છેલ્લે, વંચાણે લીધેલ (૪) પરના નાણા વિભાગના તા:૧૬/૧૦/૨૦૨૪ ના ઠરાવ મુજબ હાલમાં પાંચમા પગારપંચ મુજબ પગાર મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૦૧/૧૦/૨૦૨૪ થી ૩૮૧% ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના વંચાણે લીધેલ (૨) પરના તા.૧૩/૦૮/૨૦૨૧ના ઓફિસ મેમોરેન્ડમને ધ્યાને લઈ, વંચાણે લીધેલ (૩) પરના ગુજરાત સરકારના તા.૧૦/૧૧/૨૦૨૩ ના સરકારી ઠરાવથી ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૧૯૯૮ હેઠળના પગારધોરણમાં પગાર મેળવતા કર્મચારીઓ/અધિકારીઓના કિસ્સામાં તા.૦૧/૦૭/૨૦૨૧ ની અસરથી કોરોના મહામારીના કારણે ફ્રીઝ કરેલ મોંઘવારી ભથ્થુ રીલીઝ કરી મોંઘવારી ભથ્થાના દરોમાં ૩૧૨% થી વધારો કરી ૩૫૬% કરવામાં આવેલ હતો. જે તા.૦૧/૧૧/૨૦૨૩થી ચુકવવામાં આવે છે. વધુમાં, આ ઠરાવમાં તા.૦૧/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીના સમયગાળાના તફાવતની રકમ કેટલા હપ્તામાં તેમજ કયા માસના પગારમાં ચુકવવાની રહેશે તે અંગે અલગથી સુચનાઓ પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરેલ હતો.
વંચાણે લીધેલ ક્રમ (૫) પરના ભારત સરકારના તા.૨૨/૦૪/૨૦૨૬ના ઓફીસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં હાલમાં ચુકવવામાં આવતાં મોંઘવારી ભથ્થાના દર ૪૭૪% માં તા:૦૧/૦૧/૨૦૨૬ ની અસરથી ૯% નો વધારો કરી, ૪૮૩% નો દર નક્કી કરવામાં આવેલ છે જે મુજબ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૧૯૯૮ હેઠળના પગારધોરણમાં પગાર મેળવતા કર્મચારીઓ/અધિકારીઓના કિસ્સામાં તા. ૦૧/૦૭/૨૦૨૨ ની અસરથી ૩૮૧% થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધીનો મોંઘવારી ભથ્થાનો વધારો ૪૪૩% સુધી આપવા તથા તા.૦૧/૦૭/૨૦૨૧ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી ૩૫૬% થી ૪૪૩% સુધીનું કુલ ૮૭% મોંઘવારી ભથ્થાનું એરીયર્સ આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થુ તથા મોંઘવારી ભથ્થાનું અરિયર્સ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.
હાલમાં પાંચમા પગારપંચ મુજબ પગાર મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો વધારો જુન-૨૦૨૬ ના પગાર (પેઇડ ઇન જુલાઇ-૨૦૨૬) ની સાથે ચૂકવવાનો રહેશે. મોંઘવારી ભથ્થું વળતરના અલગ ભાગ તરીકે જ ગણવામાં આવશે અને ગુજરાત રાજ્ય મુલ્કી સેવા (પગાર) નિયમો-૨૦૦૨ ના નિયમ- ૯(૫૩) ની વ્યાખ્યામાં આવતાં “પગાર” તરીકે તેને ગણવામાં આવશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારી/અધિકારીઓના મુળ પગાર + મોંઘવારી પગાર (Basic Pay + Dearness Pay) ઉપર કરવાની રહેશે.
મોંઘવારી ભથ્થામાં ૫૦ (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને ૫૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહી. એન.પી.પી.એ. મેળવનાર કર્મચારી/અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના વધારાનો લાભ તા.૨૬/૦૭/૨૦૦૬ના વંચાણમાં લીધેલ ક્રમાંક-૧ ઉપરના ઠરાવના પારા-૪ માં કરાયેલ ગણત્રી મુજબ મળવાપાત્ર થશે. ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે.
પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને, કામ પૂરતા મહેકમના કર્મચારીઓને, તેમજ પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને અને બિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોને તથા કર્મચારીઓને તેમજ સહાયક અનુદાન લેતી સંસ્થાઓને મળવાપાત્ર થશે. આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઇએ.
આ હુકમો હેઠળ ચૂકવવા પાત્ર થતા મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાની રહેશે, પરંતુ પ્રસ્તુત ઠરાવનો લાભ આપવા માટે જે-તે સંસ્થા/નગરપાલિકા/નિગમ વગેરેએ પોતાની નાણાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે. આ વધારાના ખર્ચ માટે સરકાર દ્વારા કોઇપણ સંસ્થાને કોઇપણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.