પેટમાં ઉંદર દોડતા હોય તો પણ પડીકા ન ખાતા! હવે ગોકુલ ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી
પેટમાં ઉંદર દોડતા હોય તો પણ પડીકા ન ખાતા! હવે ગોકુલ ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી
By: Nation Gujarat Team
01 Jun, 2026
જસદણઃ શું વાત કરો છો, ખરેખર ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી? જસદણના આટકોટમાં એક ગ્રાહકે ગોકુલ કંપની (Gokul Namkeen)ના ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. જે બાદ ચવાણું ખાવા માટે પેકેટ ખોલતાં જ ગ્રાહક રીતસરના ચોંકી ગયા હતા. કારણ કે ચવાણામાં પેકેટમાં મૃત ગરોળી હતી. જે બાદ તેમણે ચવાણામાંથી નીકળેલી ગરોળીનો વીડિયો બનાવ્યો હતો અને ગોકુલ કંપનીમાં ફરિયાદ કરી હતી. (નોંધઃ આ વીડિયોની ન્યૂઝ18 ગુજરાતી કોઈ પુષ્ટી કરતું નથી)
પેકેટ ખોલતા જ અંદરથી નીકળી મૃત ગરોળી – ગ્રાહકે જણાવ્યું કે, તેમણે આટકોટની એક દુકાનમાંથી ગોકુલ કંપનીનું ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે પહોંચીને પેકેટ ખોલતાની સાથે જ અંદર મરેલી ગરોળી જોવા મળી હતી, ચવાણાના પેકેટમાં મૃત ગરોળી જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તરત જ આ બાબતની ગોકુલ કંપનીને ફરિયાદ કરી હતી. હવે આ ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ છે.
પાણીપુરીમાંથી નીકળ્યું હતું હાડકું – આપને જણાવી દઈએ કે, આ કોઈ પહેલી વખત નથી, જ્યારે કોઈ ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવજંતું નીકળ્યા હોય. આ પહેલા અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હતું. જેથી યુવતીએ આ અંગે વીડિયો બનાવીને આપવીતી જણાવી હતી. આ વીડિયો જોત-જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
વીડિયો વાયરલ થતાં જ AMCની ટીમ દોડતી થઈ હતી અને પાણીપુરીવાળા સામે એક્શન લીધું હતું. AMCની ટીમે પાણીપુરીની લારી જપ્ત કરી હતી અને પાણીપુરાવાળાને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યો હતો – એટલું જ નહીં આ પહેલા ગુજરાતની એક જાણીતી કંપનીની વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યો હતો. જામનગરના એક યુવકે તેમની સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે વેફરનું પડીકું ખરીદ્યું હતું અને તેને ઘરે લઇ જઇને ખોલ્યું તો તેમાંથી મરેલો દેડકો નિકળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, લોકોએ આરોગ્ય સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ યોગ્ય કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.