અધિક માસની પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર:અમદાવાદના મેયર મા અંબાના શરણે

By: Nation Gujarat Team
31 May, 2026

પવિત્ર અધિક પુરુષોત્તમ માસની પૂનમનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. દર ત્રણ વર્ષે આવતી અધિક માસની પૂનમ અને રવિવારની રજાના અદ્ભુત સંયોગને પગલે રાજ્યના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે.

જગતજનની મા અંબાના ધામ અંબાજી, ‘મીની અંબાજી’ તરીકે ઓળખાતા ખેડબ્રહ્માના અંબિકા મંદિર, કડવા પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામ, પવિત્ર યાત્રાધામ પાવાગઢ અને ચોટીલા ખાતે વહેલી સવારથી જ લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

યાત્રાધામ અંબાજીમાં અધિક માસની પૂનમે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાનો પવિત્ર ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર અંબાજી પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

મંદિરના ભટજી મહારાજે આજના દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસે બીજનું દાન કરવાથી ભક્તોને અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

અમદાવાદના મેયર હિતેશ બારોટે શિખર પર ધજા ચડાવી, શહેરના વિકાસ માટે પ્રાર્થના કરી

અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ આ પાવન અવસરે મા અંબાના શરણે પહોંચ્યા હતા અને મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા અર્પણ કરી હતી.

તેમણે પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરતા જણાવ્યું હતું કે, હું 1982થી દર પૂનમે અંબાજી આવું છું. જો કોઈ કારણસર હું ન આવી શકું, તો મારા પરિવારનો કોઈ એક સભ્ય પૂનમ ભરવા અચૂક આવે છે. ભૂતકાળમાં મેં પૂનમ ભરવા માટે જીપ અને બસ દ્વારા પણ યાત્રા કરી છે. હું મેયર બન્યો તે પહેલાં મા અંબાનો પરમ ભક્ત છું.

તેમણે આગામી અઢી વર્ષમાં અમદાવાદના સર્વાંગી વિકાસ, નાગરિકોના કલ્યાણ અને અમદાવાદમાં યોજાનારી બે મોટી સ્પોર્ટ્સ ગેમ્સમાં વિશ્વસ્તરે શહેરનું નામ રોશન થાય તેવી મા અંબાને પ્રાર્થના કરી હતી.

સામાન્ય નાગરિકની જેમ ચા-નાસ્તો કર્યો

આ પ્રસંગે સવારની મંગળા આરતીમાં અમદાવાદના બે ધારાસભ્ય કૌશિક જૈન અને અમિત શાહ પણ મેયર સાથે જોડાયા હતા. દર્શન બાદ મેયર અને ધારાસભ્યોએ રાજકીય ઠાઠ બાજુ પર મૂકી, છેલ્લા 25 વર્ષથી તેઓ જ્યાં મુલાકાત લે છે તે સ્થાનિક ચાની દુકાને સામાન્ય નાગરિકની જેમ બેસીને ચા-નાસ્તો કર્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ખેડબ્રહ્માના ‘મીની અંબાજી’ ખાતે ‘બોલ માડી અંબે’નો જયઘોષ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક અને અતિ પ્રાચીન અંબિકા માતાજીના મંદિરે પણ અધિક જેઠ પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી આવેલા હજારો ભાવિકો વહેલી સવારની મંગળા આરતીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. માતાજીના ચાચર ચોકમાં “બોલ માડી અંબે”ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

ખેડબ્રહ્મા મંદિરની વિશેષતા

આ મંદિર સમગ્ર ગુજરાતમાં ‘મીની અંબાજી’ તરીકે પ્રખ્યાત છે. અહીં દરેક પૂનમે વિશેષ પૂજા, મંગળા આરતી અને ધ્વજારોહણની પરંપરા છે. ખાસ કરીને માગશર, પોષ અને ફાગણ માસની પૂનમનું અહીં સવિશેષ મહત્વ છે અને વર્ષમાં બેવાર અહીં ભવ્ય મેળો પણ ભરાય છે.


Related Posts

Load more