વડોદરામાં યુવતીએ પોલીસ ચોકીમાં જ યુવકને થપ્પડ ઝીંકી

By: Nation Gujarat Team
24 May, 2026

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હેઠળ આવતી ઇલોરાપાર્ક પોલીસ ચોકીમાં જ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો એક હેરતભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અરજીના અનુસંધાને નિવેદન આપવા આવેલા યુવક પર યુવતીએ પોલીસની હાજરીમાં જ ઉશ્કેરાઈને થપ્પડ મારી દીધી હતી અને પોતાના સાગરીતોને બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ, હુમલાખોર યુવતીએ ગોરવા પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ લગાવતાં પતિ સામે નડિયાદના તાંત્રિક પાસે વિધિ કરાવી બળજબરીથી લગ્ન કરવા અને બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ PIએ સાત અરજી બાદ પણ ફરિયાદ ન લીધાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ ચોકીમાં જ જાહેરમાં થપ્પડ મારી સાગરીતો પાસે ધમકી અપાવી

ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કરોડિયા રોડ પર આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય પાર્થ અશોકભાઈ રોહિત વિરૂદ્ધ અરજદાર ઉર્વશી નાઈ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. આ મામલે નિવેદન નોંધાવવા માટે પાર્થ તેના મિત્રો કૃણાલ ગોહિલ, આકાશ રોહિત તેમજ માતા પદ્માબેન અને બહેન તોષાબેન સાથે બપોરના સમયે ઇલોરાપાર્ક પોલીસ ચોકી ખાતે પહોંચ્યો હતો. તે સમયે ત્યાં હાજર ઉર્વશી નાઈએ પાર્થ સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.

પોલીસકર્મી આવતા આરોપીઓ ફરાર

ઉશ્કેરાયેલી ઉર્વશીએ પોલીસ ચોકીમાં જ પાર્થને જાહેરમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, તેણે ફોન કરીને પોતાના ઓળખીતા મનીષ રાઠોડ, આશીફ ઉર્ફે મુચ્છડ અને સબો નામના શખ્સોને ત્યાં બોલાવી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ આવીને પાર્થને ધમકાવ્યો હતો કે, ઉર્વશી પાસેથી લીધેલા રૂપિયા પરત આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશું અને હવે તને ગોરવામાં રહેવું ભારે પડી જશે. ચોકીમાં હાજર પોલીસ સ્ટાફ અને પાર્થના મિત્રો વચ્ચે પડતાં જ તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેંકમાં મિત્રતા, તાંત્રિક વિધિ અને લગ્ન બાદ બંધક બનાવ્યાનો આક્ષેપ આ ઘટના અંગે પોતાનો પક્ષ રાખતા યુવતી ઉર્વશીએ યુવક પાર્થ અને પોલીસ તંત્ર સામે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ઉર્વશીના જણાવ્યા મુજબ, એક્સિસ બેંકમાં નોકરી કરતી વખતે તેની મિત્રતા પાર્થ રોહિત સાથે થઈ હતી. પાર્થે અગાઉ તેની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી અને પૈસા પાછા માંગતા પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ઉર્વશીએ ના પાડતાં પાર્થે નડિયાદના એક તાંત્રિકના માધ્યમથી તેના પર તાંત્રિક વિધિ કરાવીને તેને લગ્ન કરવા મજબૂર કરી દીધી હતી.

લગ્ન બાદ પાર્થે તેને સાડા 3 મહિના સુધી ઘરમાં બંધક બનાવી રાખીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો, જેનાથી કંટાળીને તેણે અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

‘દોઢ વર્ષમાં 7 અરજીઓ કરી છતાં PIએ ફરિયાદ ન નોંધી’ ઉર્વશીએ પોલીસ પ્રશાસનની નિષ્ક્રિયતા સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢ વર્ષથી ન્યાય માટે લડી રહી છું. મેં અલગ-અલગ જગ્યાએ કુલ 7 જેટલી લેખિત અરજીઓ કરી છે, પરંતુ હજી સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ લાઠિયા સાહેબ તરફથી પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને તેઓ મારી મૂળ ફરિયાદ નોંધવાનું ટાળી રહ્યા છે. યુવતીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિનંતી કરી છે કે આરોપી પાર્થ રોહિત સામે તાત્કાલિક ગુનો દાખલ કરી તેને કડક સજા અપાવવામાં આવે.


Related Posts

Load more