તો નક્કી કરી લે, દુનિયાના નકશામાં રહેવા માગે છે કે ઇતિહાસમાં,” પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની સ્પષ્ટ ચેતવણી

By: Nation Gujarat Team
16 May, 2026
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા પછી સંબંધમાં તણાવ આવી ગયો છે. ભારતે ઓપરેશન સિંદૂરથી સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે ભારતને નબળું સમજવાની ભૂલ કરવી મોટી મુર્ખામી છે. આ વચ્ચે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આકરા શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન આતંક પર અંકુશ નહીં લગાવે, તો નક્કી કરી લે કે તે ભૂગોળ બનીને રહેવા માગે છે કે ઇતિહાસ બનવું છે.
એક કાર્યક્રમ દરમિયાન ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પાકિસ્તાન વિશે સવાલ પૂછવામાં આવ્યો. જવાબ આપતાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સખત ચેતવણી આપતાં કહ્યું કે, જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેને નક્કી કરવું પડશે કે તે ભૂગોળનો ભાગ બની રહેવા માંગે છે કે ઇતિહાસનો.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “કોઈપણ સૈન્ય અધિકારી માટે સૌથી મોટી ખુશી ત્યારે આવે છે જ્યારે તેના સૈનિકો તેને સ્વીકારે છે અને તેના પર તેમનો પૂર્ણ વિશ્વાસ હોય છે. જ્યારે કોઈ સૈનિક કોઈ સફળ ઓપરેશન પછી તમને ગળે લગાવે છે, ત્યારે કોઈ પદ અથવા હાઈરાર્કી (વર્ગીય ક્રમ) રહેતી નથી, તે તમને પોતાનો સાથી (comrade) માને છે. તે સૌથી ખાસ પળ હોય છે.”
જણાવી દઈએ કે, દિલ્હીમાં આયોજીત સેના સંવાદ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ સિવિલ મિલિટ્રી સંવાદ મંચ માનવામાં આવે છે. જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક પડકારો અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સેનાના અધિકારીઓ, વ્યૂહાત્મક મામલાઓના નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. આર્મી ચીફે પોતાના સંબોધનમાં બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, સરહદી સુરક્ષા અને આધુનિક યુદ્ધના પડકારો પર પણ વિસ્તૃત ચર્ચા કરી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદનને માત્ર સૈન્ય ટિપ્પણી જ નહીં, પરંતુ એક મોટો કૂટનીતિક સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

Related Posts

Load more