ફેમસ બોલીવુડ અને ટીવી અભિનેત્રી મૌની રોય અને તેના ઉદ્યોગપતિ પતિ, સૂરજ નામ્બિયારે આખરે વૈવાહિક મતભેદ અંગેની બધી અફવાઓનો અંત લાવ્યા છે. મૌની અને સૂરજ ચાર વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે, તેમને આ સમાચારની પૃષ્ટી કરી છે.
મૌની અને સૂરજ છેલ્લા કેટલાક દિવસોથી તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેમના સંબંધોમાં તિરાડ અને છૂટાછેડાના અહેવાલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. આ વચ્ચે, મૌની રોયે હવે એક નવું નિવેદન જાહેર કરીને આ અહેવાલો પર મૌન તોડ્યું છે. મૌની અને સૂરજએ સંયુક્ત નિવેદન તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું છે.
તેમના સંયુક્ત નિવેદનમાં, દંપતીએ લખ્યું: “અમને દુઃખ છે કે મીડિયાના કેટલાક વર્ગ અમારા ખાનગી જીવનમાં વધુ પડતા દખલ કરી રહ્યા છે. અમે કહેવા માંગીએ છીએ કે અમે પરસ્પર સમજણ સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે, અને અમે આ સમયગાળાને શાંતિપૂર્ણ અને ખાનગી રીતે સંભાળી રહ્યા છીએ.”
“અમારા અંગત જીવન વિશે ઘણી ખોટી અને બનાવટી વાર્તાઓ ફેલાવવામાં આવી છે, જે અમારા સંબંધોના સત્યને પ્રતિબિંબિત કરતી નથી. ખૂબ વિચાર કર્યા પછી અને પ્રાથમિકતાઓ બદલ્યા પછી, અમે આદર અને સમજણ સાથે અલગ માર્ગો પર આગળ વધવાનું નક્કી કર્યું છે.”
આ દંપતીએ આગળ લખ્યું: “હાલ માટે, અમે આ તબક્કાને પરિપક્વતા અને ખાનગી રીતે સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે અમારી મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ ચાલુ રાખીશું. અમારી ગોપનીયતાનો આદર કરવા અને આ સમય દરમિયાન તમારા સતત સમર્થન બદલ અમે બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.” — મૌની અને સૂરજ
મૌની અને સૂરજ 2022 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી આ દંપતીએ આ નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મૌની અને સૂરજના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો ફેલાઈ રહી હતી, જેમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે સૂરજ મૌની સાથે છેતરપિંડી કરી છે. જોકે, આ અટકળોને સીધી રીતે સંબોધ્યા વિના, અભિનેત્રીએ તાજેતરમાં ગોપનીયતા જાળવવાની અપીલ કરતું એક નિવેદન બહાર પાડ્યું હતું.