ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની શાળાઓમાં 1,141 વ્યાયામ શિક્ષકોની થશે સીધી ભરતી

By: Nation Gujarat Team
14 May, 2026

Gujarat Physical Education Teacher Jobs: ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો અને ખાસ કરીને શારીરિક શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ હવે કુલ 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રમતગમતને વેગ આપવા શિક્ષણ વિભાગનો માસ્ટર પ્લાન
રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તેવા ઉમદા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિમાં પણ શારીરિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે આ ભરતીથી શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને નવો વેગ મળશે.

વયમર્યાદામાં મોટી છૂટછાટ
રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં વયમર્યાદામાં વિશેષ 3 વર્ષની છૂટ જાહેર કરી છે, સામાન્ય વર્ગમાં 38 વર્ષ સુધી, અનામત વર્ગ (SC/ST/OBC/EWS) માટે 43 વર્ષ સુધી, સામાન્ય મહિલા ઉમેદવાર માટે 43 વર્ષ સુધી અને અનામત મહિલા ઉમેદવાર માટે 48 વર્ષ સુધી (મહત્તમ મર્યાદા)ની છૂટછાટ અપાશે.

શું રહેશે શૈક્ષણિક લાયકાત?
આ ભરતીમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, શારીરિક શિક્ષણ સંબંધિત વ્યાવસાયિક લાયકાત જેવી કે C.P.Ed, B.P.Ed અથવા D.P.Ed, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી SAT (School Aptitude Test – Physical Education) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેના મેરીટમાં સ્થાન ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ અને શરતો
નિયમ અનુસાર, પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર નીતિ હેઠળ વેતન ચૂકવવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જ તેમને નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રમતગમત ક્ષેત્રે લાયકાત ધરાવતા હજારો યુવાનો માટે સરકારી નોકરીના દ્વાર ખુલ્યા છે.

Related Posts

Load more