ઝિમ્બાબ્વેના ડોમેસ્ટિક ક્રિકેટમાં એક એવી મેચ રમાઈ, જેણે ક્રિકેટ ઈતિહાસના તમામ રેકોર્ડ હચમચાવી દીધા. સ્કોર્પિયન ક્રિકેટ ક્લબે 50 ઓવરમાં 822 રન ફટકારી દીધા, જ્યારે મેથેન લાયન્સની ટીમ માત્ર 28 રન જ બનાવી શકી. પરિણામ રહ્યું 794 રનની હેરાન કરી દે તેવી જીત. આ મેચમાં ટ્રિપલ સેન્ચુરી, ડબલ સેન્ચુરી અને 100થી વધુ એક્સ્ટ્રા રન પણ જોવા મળ્યા.
ચોગ્ગા-છગ્ગાની આંધી
જો આ સત્તાવાર લિસ્ટ-એ મેચ હોત, તો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બની જાત. જો કે મેથેન લાયન્સના બોલરો માટે રાહતની વાત એ રહી કે આ મુકાબલાને સત્તાવાર લિસ્ટ-એ દરજ્જો પ્રાપ્ત ન હતો. ટોસ જીતીને સ્કોર્પિયનના કેપ્ટન પ્રેઝ મકાઝાએ બેટિંગ પસંદ કરી અને ત્યારબાદ મેદાન પર રન નહીં, તોફાન વરસ્યું. ઓપનર વિલ્ફ્રેડ માટેન્ડે અને તાકુંડા માડેમ્બોએ શરૂઆતથી જ બોલરોને નિશાના પર લીધા. ચોગ્ગા-છગ્ગાનો એવો વરસાદ થયો કે 21.3 ઓવરે ટીમની પહેલી વિકેટ પડી, ત્યાં સુધીમાં માટેન્ડે બેવડી સદી પૂરી કરી લીધી હતી.
એક ખેલાડી ટ્રીપલ તો એકે બેવડી સદી ફટકારી
તેણે માત્ર 75 બોલમાં 203 રન ફટકારી દીધા, જેમાં 23 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા. પરંતુ રાહતનો શ્વાસ લેવાની તક લાયન્સના બોલરોને ત્યારે પણ ન મળી. એકે ડબલ સેન્ચુરી ફટકારી… બીજાએ ઠોકી દીધી ટ્રિપલ સેન્ચુરી. બીજા છેડે તાકુંડા માડેમ્બો સતત તબાહી મચાવતો રહ્યો. જ્યાં સામાન્ય વનડે મેચોમાં 300 રન ટીમનો સુરક્ષિત સ્કોર માનવામાં આવે છે, ત્યાં માડેમ્બો એકલા એ જ 300 ફટકારી દીધા. રિટાયર્ડ આઉટ થતા પહેલા તેને 143 બોલમાં 302 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 50 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. એટલે કે લગભગ દરેક બીજો બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. આ પછી વિન્સેન્ટ મોયોએ 39 બોલમાં 78 રન ઉડાવ્યા, જ્યારે ગેબ્રિયલ જાયાએ માત્ર 49 બોલમાં અણનમ 110 રન ઠોકી દીધા. કેપ્ટન મકાઝા 5 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો.
‘એક્સ્ટ્રા’ રનનો વરસાદ
સ્કોર્પિયનના બેટ્સમેનોએ જેટલો કહેર મચાવ્યો, મેથેન લાયન્સના બોલરોએ પણ એટલી જ મદદ કરી દીધી. ટીમે કુલ 108 એક્સ્ટ્રા રન આપી દીધા, જેમાં 79 વાઈડ અને 23 નો-બોલ સામેલ હતા. હાલત એવી રહી કે દરેક બોલરે 100થી વધુ રન લુટાવ્યા. સૌથી ઓછા રન આપનારો બોલર સિડની શુમ્બા રહ્યો, જેમનો ઈકોનોમી રેટ પણ ઓવર દીઠ 13.3 રન રહ્યો.
આટલા મોટા અંતરથી હાર ભાગ્યે જોવા મળે
પહેલી ઇનિંગ જોઈને લાગતું હતું કે પિચ બેટ્સમેનો માટે કોઈ વીડિયો ગેમ જેવી છે. પરંતુ બીજી ઇનિંગ શરૂ થતાની સાથે જ વાર્તા પલટાઈ ગઈ. મેથેન લાયન્સની ટીમ માત્ર 28/7 (7.5 ઓવરમાં) સુધી પહોંચી શકી અને મેચ ત્યાં જ રોકી દેવામાં આવી. મેથેન લાયન્સ 794 રનથી હારી ગઈ. ક્રિકેટ ઈતિહાસમાં આટલા મોટા અંતરથી હાર ભાગ્યે જ જોવા મળી હશે.
ભારતનો રેકોર્ડ પણ ચર્ચામાં
હાલમાં સત્તાવાર લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો ટીમ સ્કોર બિહારના નામે છે, જેણે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 574 રન બનાવ્યા હતા. તે જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પરંતુ ઝિમ્બાબ્વેની આ મેચે બતાવી દીધું કે ક્રિકેટમાં ‘અશક્ય’ જેવો શબ્દ કદાચ હવે રહ્યો જ નથી.