સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર

By: Nation Gujarat Team
10 May, 2026

Surat AAP Spokesperson Arrested: સુરતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના બગસરાનો વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં એક મહિલા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખનો ઉપયોગ કરી અને મીઠી વાતો દ્વારા તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા બાદ આરોપીએ મહિલા સાથે નિકટતા વધારવાનું શરૂ કર્યું હતું.

લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

આરોપીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની પત્ની સાથે તેને બનતું નથી અને તે ટૂંક સમયમાં છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે. આ ખોટા વાયદાના જોરે કાળુએ મહિલાને અલગ-અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો.

મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

લગ્નના ઇનકાર બાદ આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા આરોપીએ એવું પણ કહ્યું હતું કે, ‘જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તારું જીવવું અઘરું કરી નાખીશ.

પીડિત મહિલાએ હિંમત દાખવી ગત 10 એપ્રિલ, 2026ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાળુ વઘાસિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

કેવી રીતે ઝડપાયો આરોપી?

ફરિયાદ નોંધાયા બાદ કાળુ વઘાસિયા ફરાર થઈ ગયો હતો. લસકાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી ડાયમંડ નગર સર્વિસ રોડ પાસે છે, જેના આધારે વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


Related Posts

Load more