કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓની ઉજવણી:પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ

By: Nation Gujarat Team
04 May, 2026

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરીઝાપટીને અનોખી રીતે વિજયની ઉજવણીની શરૂઆત કરી હતી.

સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ તેમજ ‘જય શ્રી રામ’ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પક્ષની ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી. ખાસ કરીને ભાજપના કાર્યકર્તા જેઓ છેલ્લા બે મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને પ્રસારની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની મહેનત રંગ લાવતા કાર્યકર્તાઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય ભણી આગળ વધી રહી હોવાના સમાચાર મળતા જ સુરતના રસ્તાઓ પર ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.

પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પ્રેસ કરીને જીતને વધાવી હતી આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય થયો છે. બંગાળના નાગરિકોને હવે જંગલરાજમાંથી મુક્તિ મળી છે. હવે બંગાળના નાગરિકોની પોતાની સરકાર અને પોતાના નેતાઓ આવનાર દિવસોમાં બંગાળના ખૂણે-ખૂણે પ્રત્યેક નાગરિકના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરશે. તેમજ બંગાળના દરેક ક્ષેત્રમાં વિકાસની ગતિ વધારવાથી વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની ભાજપ સરકારનો આજે ઐતિહાસિક વિજય થયો છે।

શ્રી હર્ષભાઈએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ બંગાળના ગામે-ગામ સુધી લોકોને ભાજપ સાથે જોડવામાં ઐતિહાસિક સફળતા મળી છે. આજની જીત બંગાળની નહીં પરંતુ દેશની રાજનીતિમાં સૌથી મોટો અને ઐતિહાસિક વિજય છે. આ ભવ્ય વિજય બદલ બંગાળના દરેક નાગરિકોને અભિનંદન પાઠવું છું. સાથે ભાજપાના દરેક સાથીઓને, જેમણે બંગાળ માટે અને બંગાળના નાગરિકો માટે વર્ષોથી સંઘર્ષ કર્યો છે—કેટલાય કાર્યકર્તાઓએ શહાદત વહોરી છે, અનેક માતા-પિતાએ તેમના દીકરા-દીકરીઓ ગુમાવ્યા છે અને કેટલાય દીકરા-દીકરીઓએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે—તે તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક વંદન.


Related Posts

Load more