SP પ્રેમસુખ ડેલુએ 6 કલાકમાં 51 લાખના દાગીના પરત અપાવ્યા, વ્યાજખોરોને આપ્યો આકરો સંદેશ

By: Nation Gujarat Team
03 May, 2026

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને સરાહનીય કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. શહેરના એક અરજદારે ગીરવે મૂકેલા સોનાના દાગીના (Gold Jewelry) નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં પરત ન મળતા, SP પ્રેમસુખ ડેલુએ આ મામલે અંગત રસ લઈ માત્ર 6 જ કલાકમાં 51 લાખની કિંમતના દાગીના  પરત અપાવ્યા છે.

Surendranagar Police ની સરાહનીય કામગીરી

વિગતો મુજબ, શહેરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે પોતાની જરૂરિયાત મુજબ 35 તોલા સોનાના દાગીના જાલાભાઈ બાંભા અને હિતેશભાઈ ખરગિયા નામના બે શખ્સો પાસે ગીરવે મૂકી રોકડ રકમ ઉછીની લીધી હતી. જોકે, અનિલભાઈએ લીધેલી તમામ રકમ પરત આપી દીધી હોવા છતાં, આ બંને શખ્સો દ્વારા દાગીના પરત આપવાને બદલે વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી અને દાગીના દબાવી રાખવામાં આવ્યા હતા.

SP પ્રેમસુખ ડેલુએ અરજદારના દાગીના પરત અપાવ્યા

આ મામલે અરજદારે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ (SP Premsukh Delu) ને રજૂઆત કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. SPએ તાત્કાલિક એ-ડિવિઝન પોલીસને સૂચના આપી કડક કાર્યવાહી હાથ ધરતા બંને શખ્સો નરમ પડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ 51 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના કબજે કર્યા હતા અને SP દ્વારા આ દાગીના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા.

કોઈપણ ડર વગર પોલીસમાં ફરિયાદ કરવા SPની અપીલ

આ તકે SP પ્રેમસુખ ડેલુએ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, વ્યાજખોરો (Money Lenders), અસામાજિક તત્વો કે માથાભારે શખ્સો સામે કોઈપણ જાતના ડર વગર પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને ન્યાય માટે તત્પર છે.


Related Posts

Load more