રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ થયા બાદ આજે ફેંસલાની ઘડી આવી ગઈ છે. અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી એકહથ્થુ શાસન કરતી ભાજપનો દબદબો યથાવત રહે છે કે, આપ-કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે છે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે.
અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. બપોર 2 વાગ્યા સુધીમાં મોટાભાગની મહાનગરપાલિાકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તમે અહીં 15 મહાનગરપાલિકાની 1001 બેઠકની મતગણતરીનું પળેપળનું અપડેટ અને સૌથી ઝડપી વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારના ફોટો સાથેનું રિઝલ્ટ જોઈ શકશો.
15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે.
15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે
શહેરી વિસ્તારોના ભાજપનો ગઢ અકબંધ રહેશે કે ગાબડું પડશે? ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ સમાન રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. અનેક રાજકીય ઉતાર ચડાવ વચ્ચે પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે. 2025માં જે નવી 9 મહાનગરપાલિકા બનાવવામાં આવી છે તે નગરપાલિકા હતી તેમાં પણ 2021માં ભાજપનો વિજય થયો હતો.