અમદાવાદના શ્યામલમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા પાર્કિંગ અને દુકાનોમાં ભારે નુકસાન

By: Nation Gujarat Team
27 Apr, 2026

Ahmedabad Shyamal Fire News: અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

જિમમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

પાર્કિંગ અને દુકાનોમાં ભારે નુકસાન

આગની જ્વાળાઓ બિલ્ડિંગના નીચેના ભાગ સુધી પ્રસરી જતાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. માત્ર વાહનો જ નહીં, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનોમાં રાખેલો માલ-સામાન બળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ATMમાં રહેલી રોકડ બળીને ખાખ

આ દુર્ઘટનામાં બિલ્ડિંગમાં આવેલું એક ATM પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગ એટલી તીવ્ર હતી કે ATM મશીન સહિત તેમાં રહેલી લાખો રૂપિયાની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.


Related Posts

Load more