લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીક સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના નેતાઓ મળી કુલ 30 નેતાઓ મતદાન અમદાવાદમાં કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે.
જ્યારે આ વખતે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની વ્યાપારી, સુસંસ્કૃત અને શાંતિપ્રિય રાજ્ય તરીકેની છાપની કાળો ડાઘ લાગે એવી સ્થિતિ ઉભી થઈ હતી. રાજકારણીઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી ચૂંટણી જીતવા માટે નૈતિકતાનું નિકંદન કાઢીને બેફામ બન્યા છે. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને કે આંતરિક અથડામણ સર્જીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. આમ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહી છે.
ગુજરાતમાં 1995 પછી ભાજપે સતત પકડ જમાવીને કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. ભાજપમાં શંકરસિંહે બળવો કર્યો પણ પ્રજા હંમેશા ભાજપની પડખે જ રહી. ગુજરાતમાં કોંગ્રેસની બે પેઢી સત્તા માટે ઝઝૂમી છે પણ શાસનની ધુરા સંભાળી શકી નથી. કોંગ્રેસનું 30 વર્ષ પહેલા શરૂ થયેલું ધોવાણ ધીમે ધીમે વધતું ગયું. પહેલાં વિધાનસભા અને પછી સ્થાનિક સ્વરાજ સુધી એટલે કે સત્તાના અંતિમ છેડા સુધી કોંગ્રેસ નબળી પડતી ગઈ
કોંગ્રેસે 2015 અને 2017માં ચમકારો બતાવ્યો પછી એની એ જ સ્થિતિ
2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસે બાઉન્સ બેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સત્તાનો સ્વાદ તો ચાખી જ શકી નહીં. ખાસ કરીને મોદી વડાપ્રધાન બન્યા બાદ નવો જ વળાંક આવ્યો અને ગુજરાતમાં પાર્લામેન્ટથી લઈ પંચાયત સુધી ભાજપનું શાસન સ્થાપિત થઈ ગયું અને કોંગ્રેસમુક્ત સ્વરાજ જેવી હાલત છે.
ભાજપે 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયનો નવો ઈતિહાસ રચી દીધો હતો. 1995ની રામ મંદિર આંદોલનની લહેર કરતાં પણ મોટી જીત મેળવીને ભાજપે ગુજરાતને પોતાનો અભેદ્ય કિલ્લો બનાવી દીધો હતો.અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓમાં ભાજપે કુલ 576 સીટોમાંથી 84 ટકા એટલે કે 483 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો.