Surat: ઝેરી પ્રસાદીનું ખતરનાક ષડયંત્ર, પરિવારને ખતમ કરવાનો રચ્યો હતો પ્લાન

By: Nation Gujarat Team
17 Apr, 2026

સુરત (Surat) શહેરના ઉત્રાણ (Uttran) વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ (Shaligram States) સોસાયટીમાં ગત 10 એપ્રિલના રોજ બનેલી ‘ઝેરી પ્રસાદી’ની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ઉત્રાણ પોલીસે તપાસ તેજ કરતા પાડોશી મહિલા દ્વારા જ આખું પરિવાર ખતમ કરવાનું ષડયંત્ર (Conspiracy) ઘડાયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે પાડોશી મહિલા ઉષા મહેન્દ્ર નાકરાણી (Usha Mahendra Nakrani) સામે ગુનો દાખલ કર્યો છે.

Surat: પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી

ઘટનાની વિગતો મુજબ, ઉત્રાણના શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોવર્ધનભાઈ ડોન્ડાના ઘરના દરવાજે કોઈ અજાણ્યા વ્યક્તિએ બુંદીના લાડુના પ્રસાદની થેલી લટકાવી હતી. ગોવર્ધનભાઈ આ થેલી ઘરમાં લઈ ગયા હતા અને તેમણે તથા તેમની પુત્રવધૂએ આ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પ્રસાદ ખાધાના થોડા સમય બાદ જ બંનેની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) ખસેડવા પડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આ બુંદીના લાડવામાં ઝેરી દવા (Poison) અને કેટલીક ગોળીઓ ભેળવવામાં આવી હતી.

પાડોશી મહિલાએ કર્યું હતું કાવતરુ

શરૂઆતથી જ ડોન્ડા પરિવારે પાડોશી પર શંકા વ્યક્ત કરી હતી. ઉત્રાણ પોલીસે (Uttran Police) જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સામે આવ્યું કે પાડોશી મહિલા ઉષા નાકરાણીએ જ આ ગંભીર કૃત્ય આચર્યું હતું. તેનો ઈરાદો સમગ્ર પરિવારને નુકસાન પહોંચાડવાનો હતો. પોલીસે આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 123 મુજબ ગુનો નોંધ્યો છે, જે ‘ગુનાહિત ઈરાદાથી ઝેર અથવા નશીલા દ્રવ્ય દ્વારા ઈજા પહોંચાડવા’ સાથે સંબંધિત છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરેલા કિરણબેન નિલેશભાઈ ડોંડા (પુત્રવધુ)એ જણાવ્યું કે, મારા સસરા ઘરે આવ્યા ત્યારે પેસેજમાં કોઈ ‘પ્રસાદી’ જેવું મૂકી ગયું હતું. હવે આપણને તો એમ જ હોય કે કોઈ પ્રસાદી આપી ગયું હશે, એટલે તે અંદર લઈને આવ્યા અને પ્રસાદી માનીને ખાધી. તેઓ ખાઈને નીચે ગયા, પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં પણ થોડી ચાખી. મેં મારા મમ્મીને પણ ખાવા કહ્યું, પણ તેમણે ના પાડી એટલે એ પણ મેં જ ખાઈ લીધી. થોડી વાર પછી ફોન આવ્યો કે, પપ્પાને કંઈક તકલીફ થઈ છે. મેં ફોન મૂક્યો ત્યાં તો મને પણ તેની અસર થવા માંડી હતી. તે દિવસે આમ પણ મારી તબિયત સારી નહોતી, પણ પછી તો હું સાવ ઢળી જ ગઈ. હું ઊભી થવા માંગતી હતી પણ મારાથી ઊભું પણ નહોતું થવાતું. મારી દીકરીએ પછી તેના પપ્પાને ફોન કર્યો અને અમે 108 દ્વારા કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે મારી દીકરીએ અને મેં અંદર જોયું ત્યારે ખબર પડી કે આમાં તો ગોળીઓ જેવું કંઈક છે, પણ ત્યાં સુધીમાં તો અમે તે ખાઈ લીધું હતું. પછી મારી છોકરીએ વધેલા લાડું કચરામાં નાખી દીધા. પછી પાછો એ લાડવો બહાર કાઢીને ફોટો એના પપ્પાને મોકલ્યો.આટલા વર્ષ થયા અમારે કોઈના સાથે દુશ્મની નથી.

મારા ઘરની એણે પથારી ફેરવી નાખી! એને કરવું હતું તો મને લાફા મારી ગયા હોત, પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે વધારે નહોતો ખાધો, બાકી તો અમે મરી જ જાત. અમારે પહેલા રિલેશન બહુ જ સારા હતા, પણ હવે આ રીતનું થયું એટલે બંધ થઈ ગયા.

ગોરધનભાઈ ડોંડાએ જણાવ્યું હતું કે, 10 તારીખે 3 વાગ્યે ઘરે આવ્યો એટલે હું લાડું પ્રસાદી સમજીને ઘરમાં લઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું. પછી મેં આમાંથી એક બટકુ ખાધું અને મારી દીકરાની વહુએ એક બટકુ ખાધું. ત્યાર પછી કલાકે મને અસર થઈ. તે પછી તો હું નીચે ગયો હતો અને તબિયત બગડી હતી. મારી સાથે જે બધા બેઠા હતા એ મને દવાખાને લઈ ગયા. મારા બન્ને છોકરાઓ ફેક્ટરીએ હતા, એમને ફોન કર્યો કે, ગોરધનભાઈને આમ થયું છે.હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અને અથવા એને ફ્લેટ ખાલી કરીને જવું પડશે.

ઈશા નિલેશભાઈ ડોંડા (દીકરી)એ જણાવ્યું કે, દાદા બાદ 5 વાગ્યાની આસપાસ મારા મમ્મીએ લાડવો ખાધો હતો. થોડો ટાઈમ થયો એટલે મમ્મીને ચક્કર આવવા લાગ્યા. તરત જ મારા કઝીન આંટીનો ફોન આવ્યો કે, બાપુજીને આવું થયું છે અને હાર્ટ-એટેકની અસર લાગે છે, તે પડી ગયા છે. એટલે પછી મમ્મીએ કીધું કે, ચક્કર તો મને પણ આવે છે. પછી મને ડાઉટ ગયો, એટલે પછી મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળી. પછી મેં તરત પપ્પાને કીધું અને પપ્પાએ મને ફોટો મોકલ. મેં ફોટો મોકલ્યો. પછી પપ્પા કહે કે, એને તું મૂકી દે, એમાં ડ્રગ્સ જેવું લાગે છે.પછી મમ્મીને બહુ ચક્કર આવવા મંડ્યા અને ઉભી નહોતી રહી શકતી નહોંતી. પછી એમ્બ્યુલન્સ બોલાવીને અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આપણે કોઈની ઉપર શંકા ન કરી શકીએ. પોલીસવાળાએ હજી અમને કીધું નથી કે કોણે કર્યું છે? કહે છે કે ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે. હવે મારું તો કહેવું એમ છે કે, ગમે તેટલા સારા પાડોશી હોય પણ એની ઉપર ભરોસો ન કરાય. આવું બની જાય પછી આપણું આખું મન ઉતરી જાય કોઈ પણ માણસ ઉપરથી.

પાર્થ ચોવટિયા (એસીપી) એ જણાવ્યું હતું કે ઉત્રાણ પોલીસે જાણવા જોગ દાખલ કરી અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે, પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે. તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ પોલીસની સામે આવે છે. ફરિયાદી પણ એક બાબતે શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને સીસીટીવી કેમેરાને પણ ચેક કરવામાં આવે છે. ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું, જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે, એ જ સેમ્પલ એમના પાડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે એમના ઘરેથી પણ મળી આવે છે.


Related Posts

Load more