સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે પરંતુ, શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક-2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય સ્થાનિકોએ કર્યો છે.
વોર્ડ નંબર 2 માં આવતી આ સોસાયટીના પ્રવેશદ્વાર પર મોટા અક્ષરે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, “કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.” રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય મુખ્ય પક્ષોના પ્રતીકો પર લાલ ચોકડી મારી દીધી છે. આ દ્રશ્ય સૂચવે છે કે જનતાનો ભરોસો હવે વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે.
સોસાયટીના રહીશોની માંગણી માત્ર પાયાની જરૂરિયાત એવા રોડ માટે છે. છેલ્લા ત્રણ વર્ષથી આંતરિક રસ્તાઓની હાલત અતિશય બિસ્માર છે. ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવ-કીચડ અને મચ્છરોનો ત્રાસ વધે છે, જ્યારે અન્ય ઋતુમાં ઉડતી ધૂળને કારણે વૃદ્ધો અને બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે.
જ્યારે પણ રહીશો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરે છે, ત્યારે તેમને જવાબ મળે છે કે, “તમારી સોસાયટીએ IC (Incremental Charges) ના પૈસા ભર્યા નથી, તેથી રોડ બનાવી શકાય નહીં.” જોકે, રહીશોનો આક્ષેપ છે કે આસપાસની અન્ય સોસાયટીઓએ પણ આ ચાર્જ ભર્યો નથી, છતાં ત્યાં પાકા રસ્તા અને પેવર બ્લોક બનાવી દેવામાં આવ્યા છે. રહીશો સવાલ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા આ પ્રકારનો પક્ષપાત કેમ કરવામાં આવે છે? સ્થાનિક કલ્પેશ આહીરે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે,”અમારી સોસાયટીમાં 350થી વધુ મતો છે, પરંતુ જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી એક પણ મત કોઈ પક્ષને નહીં મળે. અમે IC ચાર્જ નાબૂદ કરવાની અને તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરીએ છીએ.”
અન્ય સ્થાનિક ચૌહાણ સિદ્ધરાજસિંહ ગણપતસિંહે જણાવ્યું હતું કે, “ચોમાસું નજીક છે અને અત્યારે ફરી નેતાઓ હાથ જોડીને વોટ માંગવા આવશે. ત્રણ વર્ષથી અમે સોસાયટીના ખર્ચે કપચી નંખાવીએ છીએ, તો સરકાર શું કરે છે? મિડલ ક્લાસ માણસો માટે ICની મોટી રકમ ભરવી શક્ય નથી, સરકારે અમારી મદદ કરવી જોઈએ.”અન્ય સ્થાનિક સાવિત્રીબેને જણાવ્યું હતું કે, “આજુબાજુની બધી સોસાયટીઓમાં રોડ બની ગયા છે, માત્ર અમને જ અન્યાય થાય છે. અમે અને અમારા સગા-સંબંધીઓ પણ આ વખતે મતદાનનો બહિષ્કાર કરીશું.”
ગોકુળ પાર્ક-2ના રહીશોનો આ મક્કમ નિર્ધાર રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન છે. “પહેલા રોડ, પછી વોટ”ના નારા સાથે આખી સોસાયટી એકજૂથ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે, ચૂંટણી પહેલા તંત્ર આ રહીશોની વ્યાજબી માંગણી સંતોષે છે કે પછી 350થી વધુ મતદારો લોકશાહીના પર્વથી અલિપ્ત રહેશે.