Rajkot માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ, ભાજપ કાર્યાલય પર સરકારી કર્મચારી દેખાતા મચી ચકચાર

By: Nation Gujarat Team
11 Apr, 2026

Rajkot મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓએ સંપૂર્ણ તટસ્થ રહેવું જરૂરી હોય છે, પરંતુ રાજકોટમાં આ નિયમોનું ઉલ્લંઘન થયાની વાત સામે આવી છે.

માહિતી મુજબ, મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાર્ગવ ઠાકર નામના કર્મચારી ભાજપના કાર્યાલયે પહોંચી ગયા હતા. અહીં તેઓ વોર્ડ નંબર 11 માટે ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું હતું. મીડિયા પહોંચતા જ કર્મચારી સ્થળ પરથી ઝડપથી નીકળી ગયા હતા, જેને કારણે શંકાઓ વધુ ઘેરાઈ ગઈ છે.

આ ઘટનાએ અનેક મહત્વના પ્રશ્નો ઊભા કર્યા છે. સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય પક્ષના કાર્યાલયમાં બેસીને ચૂંટણી સંબંધિત કામગીરી કરવી એ સીધો આચારસંહિતાનો ભંગ ગણાય છે. ત્યારબાદ કર્મચારીએ સ્પષ્ટતા આપી હતી કે તેઓ પોતાના મિત્રને મદદ કરવા માટે આવ્યા હતા, પરંતુ જો તેઓ સક્રિય રીતે ફોર્મ ભરતા જોવા મળ્યા હોય, તો આ દલીલ પૂરતી માન્ય ગણાય કે નહીં તે પ્રશ્ન છે.

આ ઘટના બાદ વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. શું સંબંધિત અધિકારીઓ આ મામલે તપાસ શરૂ કરશે? શું કર્મચારી સામે શિસ્તભંગની કાર્યવાહી થશે? તેમજ શું આ પાછળ કોઈ રાજકીય દબાણ હતું કે કર્મચારી પોતે જ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.


Related Posts

Load more