ભાવનગરમાં પણ થઇ ચુક્યું છે ‘નેતાજીનું’ હૃદયપરિવર્તન
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજકારણમાં આયા રામ ગયા રામની ભાવના નવી નથી. 06 એપ્રિલ 2026ના રોજ ભાવનગરના સ્થાનિક રાજકારણમાં એક હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપના વડવા ‘બ’ વોર્ડના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં જ ભાજપનો ત્યાગ કર્યો હતો. જો કે માત્ર 3 જ કલાકમાં તેમની આંખો ઉઘડી ગઇ હતી અને તેઓએ ઘરવાપસી કરી લીધી હતી.
સેજલબેનની સ્પષ્ટતા પણ ચોંકાવનારી
ભાજપમાં પુનઃ જોડાયા બાદ સેજલબેને આક્ષેપ કર્યો હતો કે, તેમને ભોળવીને અને લાલચ આપીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યા હતા. પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેમણે ત્વરિત ભાજપમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. સામે પક્ષે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને દબાણનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસના મતે સેજલબેન સામેથી વિચારધારાથી પ્રેરાઈને આવ્યા હતા, પરંતુ ભાજપે ધાક-ધમકીથી તેમને પરત ખેંચ્યા છે. સોશિયલ મીડિયા પર આ ‘ટૂંકા ગાળાના પક્ષ પલટા’ની ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાક્રમે આગામી ચૂંટણીના જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.