ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સતાધાર ધામમાં કાર્યરત! રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર થાય છે

By: Nation Gujarat Team
29 Mar, 2026
જૂનાગઢ: પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે, પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો છે. સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. 85 ઘનમીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે (85 ઘનમીટર પ્રતિ દિવસ) નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.
સતાધારની જગ્યામાં એક હજાર ગાયો છે. અહીં યાત્રાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં રોજ સરેરાશ 10 હજાર લોકો ભોજન લે છે. આ રસોડું ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે. જેથી સતાધારની જગ્યા સંધ્યા આરતીની પવિત્ર જ્વાળાની સાથે સાથે આત્મનિર્ભરતાની જ્વાળા પણ પ્રજ્વલ્લિત કરી રહી છે.
સંસ્થાના વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, જ્યારે બાયોગેસ નહોતો ત્યારે રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં રોજનું 800થી 900 કિલો લાકડું વપરાતું હતું. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ કરતા ત્યારે રોજ સરેરાશ 10થી 15 જેટલા સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. સતાધારના મહંત વિજયબાપુએ જણાવ્યું કે, અમે સંપૂર્ણ રસોઈ બનાવવા માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઈ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે.
કઈ રીતે બને છે બાયોગેસ?

ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહવાડવાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે સસ્તો ગેસ પૂરો પાડે છે. સાથે સાથે આ પ્રક્રિયા બાદ મળતું સ્લરી ઉત્તમ નાઇટ્રોજનયુક્ત સજીવ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી બને છે.
આ આખી પ્રક્રિયા માટે રાજ્યમાં વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જવો, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજના હેઠળ 25, 35, 45, 60 અને 85 ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિનનફાકારક સંસ્થાઓને કુલ મૂલ્યના 75% સુધી અને નફાકારક સંસ્થાઓને 50% સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા અને સજીવ ખેતી તરફ આગળ વધે.
ગુજરાત સરકારની ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા ‘સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામમાં પણ બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડી આપવામાં આવી છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઊર્જાના ઉપયોગ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં 193થી વધારે સંસ્થાકીય બાયોગેસ કાર્યરત

આ યોજનાના અમલીકરણ માટે વર્ષ 202-26 દરમિયાન કુલ 15 એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે. આ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન છેલ્લા પાંચ વર્ષોમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 13955 ઘનમીટર પ્રતિ દિવસ જેટલી થાય છે. જ્યારે ચાલુ વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ રૂ. 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી અંદાજે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

Related Posts

Load more