તા. ૨૬ થી ૨૮ માર્ચ સુધી સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભક્તિ- સત્સંગ સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે. જેમાં પ્રથમ દિવસે તા. ૨૬ માર્ચના રોજ સાંજે ૬ – ૩૦ વાગે પોડકાસ્ટ કાર્યક્રમ યોજાશે. જેની અંદર મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને પ્રો.અને જાણીતા પ્રવક્તા અશ્વિનભાઈ આણદાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનના આદર્શો, સામાજિક સુધારા, અને વર્તમાન સમયમાં આધ્યાત્મિકતાની પ્રસ્તુતતા અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આજના યુવાનોને તેમની ભાષામાં ભગવાનનો શાંતિ-સદાચાર અને નીતિમય જીવનનો સંદેશ સમજાવી શકાય તે માટે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડીજીટલ માધ્યમ દ્વારા ભગવાનના સંદેશને વ્યાપક ફલક ઉપર પહોંચાડવાનો આ એક નવતર પ્રયોગ છે. આ કાર્યક્રમના પ્રારંભે સાંજે ૪ – ૩૦ થી ૬ – ૩૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે.
તા. ૨૭ માર્ચના રોજ સવારે ૯ – ૩૦ થી ૧૧ – ૦૦ સુધી ધૂન, કીર્તન, પારાયણ વાંચન કરવામાં આવશે.
બપોરે ર – ૩૦ થી રાત્રીના ૧૦ – ૦૦ સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, શ્રી હરિનો પ્રાગ્રટ્ય મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણિયામાં ઝુલાવવામાં આવશે અને સંતો – ભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવશે.
તા. ૨૮ માર્ચના સવારે ૮ – ૩૦ થી ૧૧ – ૩૦ સુધી કુમકુમ મંદિરમાં બિરાજમાન થયેલ શ્રી ઘનશ્યામ મહારાજનો ૩૪ મો પાટોત્સવ હોવાથી ષોડશોપચારથી પૂજન,અર્ચન અને પુષ્પાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે.
આ ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી મહિમાગાન કરશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતના અને દેશ વિદેશના ભક્તો લાભ લેવા પધારશે.
સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન અંગે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે છપૈયા ખાતે ચૈત્ર સુદ – નોમ સંવત્ ૧૮૩૭ ના રોજ થયું હતું.
વિક્રમ સંવત્ ૧૮૫૮ કારતક સુદ એકાદશીના દિવસે પીપલાણામાં તેમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ પાડ્યું હતું. ત્યારબાદ તેઓશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે સમગ્ર જગતમાં પ્રસિધ્ધ થયા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ જનસમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને અનેકને સદાચારીમય જીવન જીવતા કર્યા છે. તેમણે અસંખ્ય સંતો અને હરિભક્તો બનાવ્યા. શિક્ષાપત્રી અને વચનામૃત આદિ અનેક ગ્રંથોની રચના કરી. સંસ્કારોનું સદાય પોષણ થતું રહે તે માટે અનેક મંદિરો સ્થાપ્યા છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ – વિદેશમાં અસંખ્ય મંદિરો, સંતો અને સત્સંગીઓ છે.