સોમવારે બપારે પછી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ફેલાયેલી અફવાઓને કારણે અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે વાહનચાલકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. અમદાવાગ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થિતિ એવી સર્જાઈ હતી કે સામાન્ય દિવસોની સરખામણીએ ઈંધણનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે. માત્ર 48 કલાકમાં જ શહેરમાં અંદાજે 37 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું પેટ્રોલ-ડીઝલ વેચાઈ ચૂક્યું હોવાનો અંદાજ છે.
સામાન્ય કરતા ત્રણ ગણું વેચાણ
પેટ્રોલ પંપના માલિકોના આંતરિક સર્વે મુજબ, અમદાવાદમાં સામાન્ય રીતે રોજ સરેરાશ 4 લાખ લિટર પેટ્રોલ અને 8 લાખ લિટર ડીઝલનું વેચાણ થતું હોય છે. જોકે, સોમવાર અને મંગળવારે આ આંકડો આસમાને પહોંચ્યી ગયો છે. જી હા.. આ બે દિવસમાં અંદાજે 12 થી 15 લાખ લિટર પેટ્રોલ અને 20 થી 25 લાખ લિટર ડીઝલનું વેચાણ થયું છે. એટલે કે કુલ 32 લાખ લિટરથી વધુ ઈંધણ લોકોએ ટાંકીઓમાં ભરાવ્યું છે.
સરકારી આદેશ: કેરબા કે બેરલમાં વેચાણ પર પ્રતિબંધ
સંગ્રહખોરી રોકવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે ગાંધીનગરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તાકીદનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં હવેથી પેટ્રોલ પંપો પર માત્ર વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે. કોઈ પણ ગ્રાહકને કેરબા, બોટલ કે બેરલમાં ઈંધણ આપવામાં આવશે નહીં. જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરશે અથવા સંગ્રહખોરીમાં સંડોવાશે, તો તેની સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ધીમે-ધીમે થઈ રહી છે સ્થિતિ સામાન્ય
સોમવારે જે રીતે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી અને અરાજકતાનો માહોલ હતો, તેમાં મંગળવારે થોડો સુધારો જોવા મળ્યો છે. મંગળવારે પણ ભીડ તો હતી, પરંતુ સોમવારની સરખામણીએ ‘પેનિક’ ઓછું હતું. કેટલાક પેટ્રોલ પંપો પર સ્ટોક પૂરો થઈ જવાની ભીતિને પગલે વાહનદીઠ ₹100નું જ પેટ્રોલ આપવા અને માત્ર રોકડ (Cash) સ્વીકારવાના બોર્ડ પણ મારી દેવાયા હતા જેથી ભીડ પર નિયંત્રણ લાવી શકાય.
સરકારની જનતાને અપીલ
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓ દ્વારા નિયમિત સપ્લાય ચાલુ છે, તેથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને ‘પેનિક બાઈંગ’ કરવું નહીં.